પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે ફિલ્ડ વિઝિટ અનિવાર્ય: પ્રભારી સચિવ અશ્વિની કુમાર

મહીસાગર જીલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ અશ્ર્વિની કુમારના અધ્યક્ષ સ્થાને સંકલન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ.

મહિસાગર જીલ્લાના પ્રભારી સચિવ અશ્વિની કુમારના અધ્યક્ષ સ્થાને આજે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્લામાં ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના અમલની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રભારી સચિવ અશ્વિની કુમારે જીલ્લાના તમામ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યોજનાઓના અસરકારક અને સમયસર અમલ માટે દરેક અધિકારીએ નિયમિતપણે ફિલ્ડ વિઝિટ કરવી અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચન કરતાં કહ્યું હતું કે, યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે સ્થળ પર જઈને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો જરૂરી છે.

સચિવએ વહીવટી તંત્રને પ્રજાની સુખાકારી અને સંતોષને અગ્રીમતા આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને સંવેદનશીલતા સાથે જનહિતમાં કાર્ય કરવા અને જાહેર સેવાઓના વિતરણમાં પારદર્શિતા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન જીલ્લા કલેક્ટર અર્પિત સાગરે પ્રભારી સચિવને પ્રોજેક્ટ સહકાર અંતર્ગત જીલ્લામાં કરવામાં આવેલ કામગીરીની જાણકારી આપી હતી આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિતના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક સફીન હસન, નિવાસી અધિક કલેક્ટર સી.વી.લટા, નાયબ વન સંરક્ષક નિશા રાજ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.