
-ફતેપુરાના જગોલામાં ૭૦૦ની વસ્તી ધરાવતા માળ ફળિયામાં પાણીના તમામ સ્ત્રોત સૂકાયા; ૧૨૦૦ થી ૧૫૦૦ પિયાના ટેન્કરનો સહારો.
ગુજરાતને વિકાસ અને સમૃદ્ધિના મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લાના અંતરિયાળ વિસ્તારોની વાસ્તવિકતા આજે પણ અનેક મૂળભૂત પ્રશ્નો સામે સવાલો ઉભા કરે છે. ફતેપુરા તાલુકાના ડુંગરાળ વિસ્તાર સ્થિત જગોલા ગામના માળ ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે.જગોલાનું માળ ફળિયું મુખ્ય તળેટી વિસ્તારથી અંદાજે બે થી ત્રણ કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે.ઉનાળાની ગરમી વચ્ચે ગામના તમામ જળસ્ત્રોત સૂકાઈ જતાં લોકો માટે પાણી મેળવવું મોટો પડકાર બની ગયું છે. વિધિની વક્રતા જુઓ કે ગામમાં આવેલા હેન્ડપંપ, કૂવા તેમજ કુદરતી કોતરો સંપૂર્ણપણે સૂકાઈ ગયા છે. એટલું જ નહીં આ ફળિયામાં અંદાજે ૨૫ જેટલા બોર હોવા છતાં હાલમાં એક ટીપું પાણી પણ ઉપલબ્ધ નથી. ભૂગર્ભ જળસ્તર સતત નીચે ઉતરી જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેના પગલે કેટલાક પરિવારો પાસે પાણી સંગ્રહ માટે ટાંકીની સુવિધા ન હોવાના કારણે કૂવામાં ટેન્કર દ્વારા પાણી ઠાલવવાની ફરજ પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ એક ટેન્કર માટે ૧૨૦૦ થી ૧૫૦૦ પિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.દેશ આજે ચંદ્રયાનથી લઈને બુલેટ ટ્રેન અને ૨૦૪૭ના વિકસિત ભારતના સપનાઓ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના દાહોદ જીલ્લાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણી જેવી પાયાની જરિયાત માટે લોકો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની પરિસ્થિતિ અનેક પ્રશ્નો ઉભા કરે છે.
સરકારી યોજના અમલમાં પરંતુ પાણી માટે તરસ્યું ગામ, જીવન નિર્વાહ ગંભીરરીતે પ્રભાવિત…
સરકારી યોજનાઓ અંતર્ગત ગામમાં ઘરે-ઘરે નળ જોડાણ આપવામાં આવ્યા હોવા છતાં નળમાંથી પાણીનું એક ટીપું પણ આવતું નથી, એવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. મીની એલ.આઈ. યોજનાના ટાંકા મૂકવામાં આવ્યા હોવા છતાં તેમાંથી પણ પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાણીની સમસ્યા માત્ર રોજિંદા જીવન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સામાજીક જીવન પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. પાણીના અભાવે લગ્ન તથા અન્ય સામાજીક પ્રસંગો મોકૂફ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.