પંચમહાલમાં ઝેરી દવા પીવાથી એકનું મોત:ગોધરા સહિત 4 તાલુકામાં ડીઝલ-દવા ગટગટાવવાના 4 બનાવ; 6ને શ્વાન કરડ્યા

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઝેરી દવા અને ડીઝલ ગટગટાવવાના ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે, જેમાં એક 55 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ઉપરાંત, ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોએ એક જ દિવસમાં છ લોકોને બચકાં ભર્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવ ગામે રહેતા ભરતભાઈ લાલાભાઈ ચૌહાણ (ઉં.વ. 55) એ પોતાના ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક બાલાસિનોર સી.આર.સી. સેન્ટર લઈ જવાયા હતા, જ્યાંથી તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય બનાવોમાં, ગોધરા તાલુકાના બખ્ખર ગામના અરવિંદભાઈ બળવંતસિંહ પટેલ (ઉં.વ. 25) એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. શહેરા તાલુકાના બોડીદ્રા ખુર્દ ગામના મહેશભાઈ લાલાભાઈ વણકરને પણ ઝેરી અસર થઈ હતી. ઘોઘંબા તાલુકાના મોગદરા મંદિર ફળિયા સિમલિયા ખાતે રહેતી તેજસ્વીબેન નરેશભાઈ બારીયા રમતા રમતા ડીઝલ પી ગયા હતા. આ ત્રણેયને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બીજી તરફ, ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં છ નિર્દોષ નાગરિકોને શ્વાનોએ બચકાં ભર્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રજાજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને આવા હડકાયા શ્વાનોને તાત્કાલિક પકડીને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.