
પડોશી દેશ પાકિસ્તાનની એક કોર્ટે અભિનેત્રી સબા કમર વિરુદ્ધ અરજી પર પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સબા કમરે બોલિવૂડ ફિલ્મ ‘હિન્દી મીડિયમ‘માં કામ કર્યું હતું. પીટીઆઈ અનુસાર, તેના પર પોલીસ યુનિફોર્મ પહેરવાનો આરોપ છે. આ કારણોસર તેની વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અરજદાર વસીમ જવારના વકીલે મંગળવારે લાહોર સેશન્સ કોર્ટમાં જણાવ્યું હતું કે અભિનેત્રી (સબા કમર) એ પોલીસ અધિક્ષક (એસપી) નો યુનિફોર્મ પહેર્યો હતો અને વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ કાયદાનું ઉલ્લંઘન છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે, “પરવાનગી વિના પોલીસ યુનિફોર્મ પહેરવો ગેરકાયદેસર છે. આનાથી પોલીસની છબી પર નકારાત્મક અસર પડી છે.”
અરજદારના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે પોલીસને કાયદા અનુસાર સબા કમર સામે કાનૂની કાર્યવાહી કરવા અને કેસ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવે. બધી દલીલો સાંભળ્યા પછી, ન્યાયાધીશે પોલીસને એક અઠવાડિયામાં આ મામલે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.
થોડા વર્ષો પહેલા, સેશન્સ કોર્ટે કમરને લાહોરની ઐતિહાસિક વઝીર ખાન મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરવાના આરોપોમાંથી મુક્ત કરી હતી. આ ઘટના માટે તેણીને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં જાનથી મારી નાખવાની ધમકીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ સબા કમરે માફી માંગી હતી.