NEET-UG 2026ની એક્ઝામ રદ:23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી એક્ઝામ; પેપર લીકની ફરિયાદ પછી NTAનો મહત્વનો નિર્ણય, CBI તપાસની માગ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 3 મેના રોજ યોજાયેલી NEET 2026 પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTA એ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે.

NTAએ જણાવ્યું કે તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને કાયદા અમલીકરણ એજન્સીઓના અહેવાલ પરથી સ્પષ્ટ થયું કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય રહેશે નહીં. આવા સંજોગોમાં, હવે NEET-UG 2026 ની પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડ સંબંધિત શેડ્યૂલ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે.

CBI કરશે કેસની તપાસ

આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે તેને કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ને સોંપવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું છે કે તે CBI ને દરેક પ્રકારનો સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ દસ્તાવેજો અને રેકોર્ડ ઉપલબ્ધ કરાવશે.

ફી પાછી મળશે, ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં

NTA એ જાણકારી આપી છે કે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. પાછલા પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. રી-એક્ઝામ માટે નવા એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓની ફી પણ પાછી આપવામાં આવશે.

3 મેના રોજ 23 લાખ વિદ્યાર્થીઓ NEET UG 2026ની પરીક્ષા આપી હતી

3 મેના રોજ દેશભરમાં NEET UG 2026ની પરીક્ષા યોજાઈ હતી. આશંકા છે કે પરીક્ષાનું પેપર પહેલાથી જ લીક થઈ ગયું હતું. રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી હાથથી લખેલું ગેસ પેપર મળ્યું છે જેના પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થઈ રહ્યા છે.

10 મેના રોજ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGએ ઇન્ટેલ ઇનપુટ પર કાર્યવાહી કરતા દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂમાંથી 13 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આમાં સીકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલર પણ સામેલ છે.

720માંથી 600 માર્કના પ્રશ્નો સામાન્ય

તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષાના 720 માંથી 600 માર્કના પ્રશ્નો બે દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. જોકે, એક ગેસ પેપર કેરળની એક કોલેજમાંથી MBBS કરી રહેલા વિદ્યાર્થીએ 1 મેના રોજ સીકરમાં પોતાના એક મિત્રને મોકલી આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર, સીકરના એક પીજી સંચાલકને આ પેપર મળ્યું, જેણે તેને પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આપી દીધું. આ માધ્યમથી તે અલગ-અલગ લોકો સુધી પહોંચ્યું.

તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ તપાસવામાં આવી રહી છે

SOG હાલ મામલાની તપાસ કરી રહી છે. એજન્સી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે કડીઓ જોડી રહી છે. તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સ તપાસવામાં આવી રહ્યા છે. જોકે, આ એક ગેસ પેપરની જેમ લોકો સુધી પહોંચ્યું છે અને SOG હાલ તપાસ કરી રહી છે કે તેને પેપર લીક માનવામાં આવે કે નહીં.

તમામ પ્રશ્નો હાથથી લખાયેલા છે

વિદ્યાર્થીઓ સુધી જે ‘ક્વેશ્ચન બેંક’ પહોંચી છે, તેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના 300થી વધુ પ્રશ્નો છે. આ બધા હાથથી લખાયેલા છે અને તેમની હસ્તલેખન પણ એક જ છે. તેમાંથી 150 પ્રશ્નો NEET UG 2026ના પેપરમાં યથાવત આવ્યા.

નિષ્ણાતોના મતે, કોઈ ચોક્કસ ગેસ પેપરમાંથી પરીક્ષામાં કેટલાક પ્રશ્નો યથાવત આવવાની શક્યતા રહે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં પ્રશ્નો આવવાની શક્યતા સામાન્ય રીતે હોતી નથી.

PG સંચાલકે NTA ને ફરિયાદ કરી, SOG ના રડાર પર

NEET પરીક્ષા થયા પછી, સિકરના એક PG સંચાલકે પરીક્ષા કરાવતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને ફરિયાદ કરી હતી કે એક કથિત ‘ક્વેશ્ચન બેંક’ વિદ્યાર્થીઓને મળ્યો છે. આ વ્યક્તિ પણ હવે SOG ના રડાર પર છે.

તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે PG સંચાલકને પણ પરીક્ષા પહેલા વોટ્સએપ પર ‘ક્વેશ્ચન બેંક’ મળ્યો હતો, જે તેણે પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓ અને કરિયર કાઉન્સિલર્સને મોકલ્યો હતો.