
શિક્ષણને સામાજીક જવાબદારી સાથે જોડવાના ઉમદા હેતુથી, નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના માઈક્રોબાયોલોજી વિભાગ અને જલ ભવન, દાહોદ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંસ્થાના કાર્યકારી પ્રિન્સિપાલ ડો. ગૌરાંગ ખરાડીના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ નિર્ણયથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે દાહોદ જીલ્લાના જન-સ્વાસ્થ્યને પણ સીધો ફાયદો થશે.
આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય પુસ્તકીયા જ્ઞાનને પ્રાયોગિક અનુભવમાં પરિવર્તિત કરવાનો છે. આ ભાગીદારી હેઠળ, માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ જલ ભવનની લેબોરેટરીમાં પાણીના પરીક્ષણ, શુદ્ધિકરણની પ્રક્રિયા અને સૂક્ષ્મ જીવાણુઓના વિશ્લેષણ અંગે પ્રત્યક્ષ તાલીમ મેળવશે.
આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. ગૌરાંગ ખરાદી એ જણાવ્યું હતું કે, “શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રહેતા સમાજ માટે ઉપયોગી બનવું જોઈએ. જલ ભવન સાથેનો આ સહયોગ અમારા વિદ્યાર્થીઓને પાણીના પ્રદૂષણ અને સુરક્ષા જેવા ગંભીર વિષયો પર કામ કરવાની તક પૂરી પાડશે, જે અંતે સમાજ માટે કલ્યાણકારી સાબિત થશે.”
ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ગ્રીન યુનિવર્સિટી એક્રેડિટેશનમાં ’ગોલ્ડ રેન્કિંગ’ મેળવનાર નવજીવન સાયન્સ કોલેજ આ નવા કરાર દ્વારા પર્યાવરણ અને જાહેર આરોગ્ય ક્ષેત્રે પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં માઈક્રોબાયોલોજી વિભાગના હેડ સંદિપ પ્રજાપતિ, શિખા મોઢીયા તથા કૃપાલી પરમાર જલ ભવનના ટેકનિકલ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.