નસવાડીમાં અનાજની ટ્રકો બે દિવસથી ખુલ્લામાં, ગોડાઉન ઉપર લટકતાં તાળા

૪૨ રેશનિંગ દુકાનોની અનાજ વિતરણ વ્યવસ્થા અટકી.

નસવાડી ટાઉનમાં આવેલ ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગના ગોડાઉન ઉપર તાળા લટકી રહ્યા છે. બીજી તરફ ગોડાઉનના આંગણે રેશનિંગનું અનાજ લઈને આવેલી ત્રણ ટ્રકો બે દિવસથી ખુલ્લામાં ઉભી છે.

આ સ્થિતિથી પુરવઠા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. એકબાજુ વરસાદની આગાહી છે. બીજી તરફ અનાજ વિતરણ વ્યવસ્થા હજુ શ‚ કરાઈ નથી. અનાજની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

નસવાડી તાલુકાની ૪૨ રેશનિંગ દુકાનોમાં નસવાડીના સરકારી અનાજ ગોડાઉન પરથી અનાજ પહોંચાડવામાં આવે છે. જોકે હાલ ગોડાઉન માલથી ભરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. રક્ષાબંધનના તહેવારની રજા પર ગયેલા ગોડાઉન મેનેજર પરત ન ફરતા શનિવારે ગોડાઉન ઉપર તાળા લટકતા જોવા મળ્યા હતા.

અંદાજે ૧૬૦૦ કટ્ટા અનાજ ભરેલી ટ્રકો ગોડાઉનની બહાર ઉભી છે. રવિવાર હોવાથી ગોડાઉન ક્યારે ખુલશે તે નક્કી નથી. ટ્રકો ક્યારે ખાલી થશે તે પણ નક્કી નથી.

સરકારના નિયમ મુજબ અનાજ આવશ્યક વસ્તુ છે. રેશનિંગ દુકાનો સુધી સમયસર પૂરતો જથ્થો પહોંચવો જ‚રી છે. ગોડાઉન અંદરથી ભરાઈ જવું અને બહાર અનાજ ભરેલી ટ્રકો ઉભી રહેવી. તેની જવાબદારી કોની તેવો પ્રશ્ન ઊભો થયો છે. જીલ્લા પુરવઠા અધિકારી સહિત પુરવઠા મામલતદાર ધ્યાન આપે તે જ‚રી બન્યું છે.

વરસાદની આગાહી વચ્ચે અનાજને નુકસાન થવાની શક્યતા નસવાડીના સરકારી પુરવઠા ગોડાઉન ઉપર તાળા લટકતા ત્રણ ટ્રકો બે દિવસથી અનાજ સાથે બહાર ઉભી છે. અંદાજે ૧૬૦૦ કટ્ટા અનાજ ભરેલી ટ્રકો ખુલ્લામાં રહેતા વરસાદની આગાહી વચ્ચે અનાજને નુકસાન થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ગોડાઉન માલથી ભરાઈ જતાં અનાજ ઉતારવાની વ્યવસ્થા અટકી હોવાનું જાણવા મળ્યું છે. હવે ગોડાઉન ક્યારે ખુલશે તે અંગે અનિશ્ચિતતા છે. અનાજ ક્યારે ઉતરશે તે અંગે પણ અનિશ્ચિતતા છે.