મોરબીમાં અસામાજિક તત્વોના 4 દબાણ તોડી પડાયા:3 પાકા મકાન સહિત 642 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ

મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો દ્વારા કરાયેલા કુલ ચાર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 642 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે.

સમગ્ર ગુજરાતમાં સરકારી અને ગૌચરની જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત મોરબી શહેરમાં બોરીચાવાસ વિસ્તારના ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા અને જીગર નામના બે શખ્સો સામે કાર્યવાહી કરાઈ હતી. આ શખ્સો વિરુદ્ધ મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે.

આ શખ્સો દ્વારા જુદી જુદી ચાર જગ્યાએ દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ પાકા મકાન અને એક પતરાની આડશ કરીને બનાવેલો ડેલો શામેલ હતો. આ તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે આજે સવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ જેસીબી મશીનની મદદથી દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દ્વારા આશરે 65 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.ડીવાયએસપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હશે તો તેને તોડી પાડવામાં આવશે.