માત્ર ૭ દિવસમાં જ ચાર્જશીટ, બાળકી પરના ગંભીર ગુન્હામાં ગીર ગઢડા પોલીસની ઝડપી કાર્યવાહી

ગીર સોમનાથ જીલ્લા પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ વર્ષની બાળકીના અપહરણ, જાતીય હુમલો તથા સતામણી તેમજ પોક્સોના ગંભીર ગુન્હામાં માત્ર ૭ દિવસમાં આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.

બનાવની વિગત જાઇએ તો, ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પીડિતાને સુરક્ષા સાથે તાત્કાલિક તબીબી સારવાર અપાઇ અને તેના પરિવારને જરૂરી સહાય પુરી પાડવામાં આવી હતી. મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં ફરિયાદ નોંધાઇ હતી અને સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપી જેરામભાઇ ભાણાભાઇ જાદવ (ઉ.વ.૬૦, રહે. ઝુડવડલી ગામ. તા. ગીર ગઢડા) સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાના બીજા જ દિવસે આરોપીને ઝડપી તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેના મેડિકલ પરીક્ષણ સહિત જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવી, સરકારી પંચોને સાથે રાખી બનાવ સ્થળનું નિરીક્ષણ કરી, પંચનામુ કરવામાં આવ્યું હતું. તે બાદ આરોપીની ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ ધરપકડ કરી બનાવ સમયે પહેરેલા કપડા કબ્જે કરી આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આરોપીના લાળ, લોહીના નમુનાઓ તેમજ બાઇટ માર્‌્ોસના ફોટોગ્રાફ્ટ મેડીકલ ઓફિસર પાસેથી મેળની ભોગ બનનાર તથા આરોપીના નમુનાઓને પરિક્ષણ માટે એફએસએલ જૂનાગઢ ખાતે મોકલી ઝડપી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

આખરે ૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. માત્ર ૭ દિવસમાં જ ગીર સોમનાથ પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થવાથી પીડિત પરિવારને ન્યાય પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે.