ભાજપના ૪૬માં સ્થાપના દિવસની ઉજવણી, કમલમ ખાતે ધ્વજવંદન, નેતાઓએ કાર્યકર્તાઓને આપી શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટીએ આજે તેનો ૪૬મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને સ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

ગુજરાત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપના સ્થાપકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા.

જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, એક સમય એવો હતો કે જનસંઘમાં કાર્યકર્તાઓની અછત હતી, “દીવો લઈને ગોતવા જવું પડે એટલા કાર્યકર્તાઓ હતા” પરંતુ આજે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની છે અને સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવે છે.

તેમણે ઉમેર્યું કે અનેક કાર્યકર્તાઓ પોતાના પરિવારને છોડીને પણ પાર્ટીની સેવા કરે છે અને તેમની મહેનતથી જ પાર્ટી આ ઊંચાઈએ પહોંચી છે.

ભાજપની સફર અંગે વાત કરતાં નેતાઓએ જણાવ્યું કે ૧૯૫૧માં જનસંઘની સ્થાપના થઈ ત્યારે પાર્ટી પાસે રાજકીય અનુભવ અને સગવડો નહોતા છતાં દેશસેવાના સંકલ્પ સાથે સફર શરૂ થઈ. ૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં જનસંઘે પોતાની હાજરી નોંધાવી હતી. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશ માટે જેલવાસ ભોગવી શહાદત વ્હોરી હતી. જે પાર્ટી માટે પ્રેરણાસત્રો છે. ૧૯૭૫માં ઈÂન્દરા ગાંધીએ લાદેલી કટોકટી સામે પાર્ટીએ સંઘર્ષ કર્યો અને ત્યારબાદની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવી લોકશાહી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ૧૯૮૪માં ભાજપે પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી હતી અને માત્ર ૨ બેઠકો જીત્યો હતો, જેમાં મહેસાણા બેઠકનો સમાવેશ થતો હતો. આજે ભાજપ “શાન અને સમૃદ્ધ ભારત”નું પ્રતિક બની છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભાજપનું નેતૃત્વ મજબૂત છે અને લોકોની અપેક્ષાઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જાડાયેલી છે. વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લઈ રહી છે. જેમ કે પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધે તે માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.સાથે જ તેમણે કાર્યકર્તાઓને સંયમ રાખવાની અને જવાબ આપતી વખતે ધીરજ ન ગુમાવવાની સલાહ આપી. મુખ્યમંત્રીએ રાજકીય ટકરાવને લઈને પણ કહ્યું કે આ સમય રાજકારણ કરવાનો નથી. તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલાક ધારાસભ્યોએ સરકાર તરફથી હેરાનગતિની ફરિયાદ કરી હતી. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ભાજપના ધારાસભ્યોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે પણ ધ્યાનમાં લેવું જાઈએ.

ભાજપના ૪૬મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન પાર્ટીના ઈતિહાસ, સંઘર્ષ અને વિકાસને યાદ કરવામાં આવ્યા. નેતાઓએ કાર્યકર્તાઓની ભૂમિકા વખાણી અને ભવિષ્યમાં પણ સંયમ અને સેવા ભાવથી આગળ વધવા આહ્વાન કર્યું