લો બોલો…વેજલપુરની વિવેકાનંદ સોસાયટીનો સીસી રોડ કાગળ પર બની ગયો : વિડિઓ વાયરલ :જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વિવેકાનંદ સોસાયટી માં છેલ્લા બાર વર્ષથી નવો રોડ બનાવેલ નથી જેનો વિડિઓ વાયરલ થયો છે. હાલમાં આ વિસ્તારમાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે અને રોગચાળો ફાટી જવાની શક્યતા વધી ગઈ છે, ત્યારે જાગૃત નાગરિક ગૌતમ સેવાણી દ્વારા સ્થાનિક પંચાયતમાં રજુઆત કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં જીલ્લા કલેક્ટર કચેરી અને પીજી પોર્ટલ પર રજુઆત કરી છે. જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના હેઠળ આ સોસાયટીમાં વર્ષ 2024/25 માં કુલ ચાર ભાગમાં સીસી રોડ મંજૂર કરાયા હોવાનું તથા રૂા. 20,397/ મજૂરીના ચૂકવાયા તેમજ મટીરીયલના રૂા.3,00,211.78/નું ચુકવણું વર્ષ 2021 માં થયુ હોવાનો પુરાવો રજૂ કરી તપાસ કરવા માંગ કરી છે. ત્યારે વિવેકાનંદ સોસાયટીમાં જ રહેતા જાગૃત નાગરિક દ્વારા સવાલ પૂછવામાં આવ્યો છે કે સોસાયટીમાં રોડ બનાવ્યો છે, તો તે ક્યાં છે ? આજ રોજ તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત લઈ આ મામલે તપાસ કરવા પણ માંગ કરી છે. વેજલપુર ગ્રામ પંચાયતમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગોધરા ટીડીઓ દ્વારા પણ 25 જેટલા મનરેગા યોજનાના કામોની તપાસ કરાઈ છે, જેનો રિપોર્ટ બાકી છે.