લીમખેડાના પાણીયા હાઈવે ચોકડી પર અંધારપાટ અને ખાડાઓને લઈ અકસ્માતનો ભય

લીમખેડા તાલુકાના પાણીયા હાઈવે ચોકડી પર રાત્રિના સમયે અંધારપાટ અને રોડ પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો તથા સ્થાનિકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. મહત્વની ચોકડી હોવા છતાં સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી રાત્રે અવર જવર કરવી મુશ્કેલ બની છે.

ચોકડી નજીક બેંક તથા છાત્રાલય પણ આવેલ હોવાથી રાત્રિના સમયે લોકોની અવર જવર રહે છે. ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને રસ્તાની સ્થિતિનો અંદાજ આવતો નથી. હાઈવે પરથી આવતા વાહનો અચાનક બ્રેક લગાવતા અકસ્માતની શકયતા વધી જાય છે. બસ અને ખાનગી વાહનોમાં મુસાફરી કરતા લોકોને પણ અંધારાના કારણે મુશ્કેલી પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રે અંદરના ગામોમાં જવા માટે પાણીયા ચોકડી પર ઉતર્યા બાદ વાહન ન મળતા કેટલાક મુસાફરોને લીમખેડા અથવા પીપલોદ ઉતરી ત્યાં જ રાત્રિ રોકાવવાની ફરજ પડે છે. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષાનો પ્રશ્ર્નો ઉભો થયો છે. સ્થાનિકોએ આ અંગે નેતાઓ તથા સરકારી તંત્રને રજુઆત કરી હોવા છતાં હજુ સુધી માત્ર આશ્ર્વાસન જ મળ્યુ છે. ગ્રામજનોની માંગ છે કે, અકસ્માત થાય તે પહેલા સ્ટ્રીટ લાઈટ અને રસ્તાના ખાડાઓનુ તાત્કાલિક સમારકામ કરવામાં આવે.