કરણપુરમાં અમુલ ડેરીનું ‘સીડ બોલ’ અભિયાન : પર્યાવરણ બચાવવાનો સંદેશ, વધુમાં વધુ વૃક્ષારોપણનું આહ્વાન

પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને હરિયાળું ગુજરાત નિર્માણના સંકલ્પને વેગ મળે તે હેતુથી કરણપુર ખાતે અમુલ ડેરી, આણંદ દ્વારા સીડ બોલ વૃક્ષારોપણ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સીડ બોલનું વિતરણ કરી અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

આ અભિયાનમાં અમુલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, બાલાસિનોર નગરપાલિકાના સભ્યો, તાલુકા તથા શહેર ભાજપના પૂર્વ હોદ્દેદારો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, અમુલ ડેરીના કર્મચારીઓ તેમજ વિવિધ આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વક્તાઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા આવરણ વચ્ચે વૃક્ષારોપણ સમયની સૌથી મોટી જ‚રિયાત બની છે. સીડ બોલ અભિયાન દ્વારા કુદરતી રીતે વધુમાં વધુ વૃક્ષો ઉગી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જનભાગીદારીના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.