કપરાડાના વીરક્ષેત્ર નજીક અકસ્માતઃ આણું વાળી પરત ફરતા પરિવારની પીકઅપ ગાડી પલટી, ૬ના મોત

ગુજરાતમાં અકસ્માતનો હારમાળા વચ્ચે હાલ વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક પીકઅપ ગાડી પલટી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ગાડીમાં સવાર ૬ લોકોના કરુણ મોત નિપજ્યા છે. ત્યારે આ અકસ્માતની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, પરિવાર આણું વાળી પરત ગામ જઈ રહ્યો હતો એ દરમિયાન જ અકસ્માત નડ્યો હતો. જેમાં ૬ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે કેટલાકને નાની મોટી ઇજા થઈ હતી. જેમાં પરિવાર અને સગા સંબંધીઓ અકસ્માતનો ભોગ બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ૧૦૮ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઢોળાવ વાળા રસ્તા પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ પીકઅપ ગાડી પલટી મારી ગઈ હતી. જેને કારણે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલ ગિરનારા ગામના હતા જેઓ કોલવેરા આણું વાળવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. ત્યારે આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. સાથે જ પોલીસે પણ ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.