કાલોલ શહેરના વોર્ડ નં.-૪ સ્થિત વૃંદાવન સોસાયટી વિસ્તારમાં ચોમાસુ સીઝનના પ્રારંભથી વરસાદી પાણીના નિકાલ તેમજ સાફસફાઈના અભાવે જાહેર રસ્તાઓ સહિતના ખુલ્લા વિસ્તારમાં કાયમી ગંદકી ખદબદતી ઉઠતા સોસાયટી વિસ્તારના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ શહેરના વોર્ડ નં.-૪ સ્થિત વૃંદાવન સોસાયટીના કેન્દ્ર વિસ્તારમાં ચોમાસુ સીઝનના પ્રારંભથી વરસાદી પાણીના નિકાલને અભાવે વરસાદી પાણીના ભરાવા સાથે રસ્તા ૫રના ખુલ્લા પ્લોટ સહિત આસપાસના રસ્તાઓ અને વિસ્તારમાં વકરેલા ગંદકીના સામ્રાજયો અંગે પાલિકા તંત્રના સફાઈ કામગીરીની ઉદાસીનતાએ ગંદકીનો ઉપદ્રવ વધી રહ્યો છે. અસરગ્રસ્ત રહિશોના જણાવ્યા અનુસાર ચોમાસુ સીઝનમાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં સાફસફાઈની દરકાર રખાતી નથી. ડોર ટુ ડોર કલેકશનમાં સફાઈ કામદારો વચ્ચે ઉઘરાવવા માટે અનિયમિતતા જોવા મળે છે. ગંદકીના નિકાલ માટેની કચરા પેટી, ડબ્બો કે ટ્રેકટર પણ ફળવાતુ નથી. જેને કારણે મોટાભાગના ધન અને પ્રવાહી કચરો જાહેર રસ્તા પર ખુલ્લી જગ્યામાં ફેંકાતા ગંદકીનો જમાવડો કાયમી બની ગયો છે. જેની સાથે વરસાદી સીઝનમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ગંદકી બેવડાતી જોવા મળે છે. આ ગંદકીના કારણે વૃંદાવન સોસાયટી ઉપરાંત આસપાસની સોસાયટીના રહિશોને પણ અવર જવર કરવી મુશ્કેલ બની ગયુ છે.