મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના આંતરિયાળ વિસ્તાર રાણીનાળ ફળિયા ખાતે એક પછી એક આશરે ૫ જેટલા પશુઓન આકસ્મિક મૃત્યુ થતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
પશુઓના મૃત્યુનુ કારણે સામાન્ય ન જણાતા ગ્રામજનોએ પંચમહાલ ડેરીના અધિકારીઓને જાણ કરી હતી. ધટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પંચમહાલ ડેરીની તજજ્ઞ પશુ ચિકિત્સકોની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. ટીમ દ્વારા મૃત પશુઓ અંગેની વિગતો મેળવવા ઉપરાંત હયાત બિમાર પશુઓની પણ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન એક બિમાર પશુમાં હડકવા રોગને અનુપ ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ જ લક્ષણો અગાઉ મૃત્યુ પામેલા પાંચેય પશુઓમાં જોવા મળ્યા હતા. પશુઓમાં હડકવાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાની સાથે જ પંચમહાલ ડેરી દ્વારા તાત્કાલિક અસરથી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ ડેરી દ્વારા તાત્કાલિક ધોરણે ૮૦ થી વધુ પશુઓને હડકવા વિરોધી રસીકરણ કરાયુ હતુ. જેના કારણે રોગ પર અંકુશ મેળવવા મોટી સફળતા મળી છે. પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને ખાસ અપીલ કરી છે કે, પશુઓમાં અસામાન્ય વર્તન, વધુ પડતી લાળ પડવી, પાણીથી ડરવુ કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો આવા પશુઓથી દુર રહેવુ, પશુનુ લાળ કે તેના સીધા સંપર્કથી બચવુ અને તાત્કાલિક નજીકના પશુ દવાખાના અથવા પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો.