જૂનાગઢમાં નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત કરવામાં આવતા શહેરમાં રોષનો માહોલ

જૂનાગઢમાં શ્રદ્ધાનું પ્રતિક ગણાતી ભક્તિ  પરંપરાની પ્રતિમા સાથે અપ્રિય ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા સર્કલ ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને અજાણ્યા શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હોવાનો બનાવ સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

આ પ્રતિમા છેલ્લા લગભગ ૪૩ વર્ષથી અહીં સ્થાપિત છે અને ધાર્મિક તથા સાંસ્કૃતિક રીતે શહેર માટે વિશેષ મહત્વ ધરાવે છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તેમજ ભક્તો સ્થળ પર એકત્રિત થયા હતા અને આ કૃત્યની કડક નિંદા કરી હતી.

નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પ્રતિમા પાસે પૂરતી લાઇટ વ્યવસ્થા અને સુરક્ષા જાળી મૂકવી જરૂરી છે.

સ્થાનિક લોકોએ પણ માંગ ઉઠાવી છે કે પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને ઝડપીને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ બનાવને પગલે શહેરમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને લોકોમાં અસંતોષનો માહોલ જાવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.