જૂનાગઢ: ફિલ્મ સ્ટાઈલે આરટીઆઈ એક્ટિવિસ્ટનું અપહરણ થયું, ,ધંધુકાથી આરોપીઓ ઝડપાયા

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના વ્યવસાય વકીલ અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ કાપડિયા થોડા સમય પહેલા વિશ્ર્વંભરીધામ વલસાડ ખાતે દર્શને ગયા હતા. તે સમયે સંજયભાઈ કાપડિયાએ ?૧૦૦ નું દાન કર્યું હતું. તેની જગ્યાએ ત્યાંથી તેમને એક પહોંચ આપવામાં આવી હતી. તે પહોંચ ફરિયાદી સંજયભાઈને ડુપ્લીકેટ જણાતા તેમના દ્વારા ચેરિટી કમિશનર કચેરી વલસાડ ખાતે આરટીઆઈ મારફતે માહિતી માંગી હતી.

આ મામલે વલસાડ તંત્ર દ્વારા ગેરકાયદેસર હિમાલય શીલા કરીને છે વિશ્ર્વંભરી ધામ ખાતે તેને સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ વાતનું મનદુ:ખ રાખીને નવથી વધુ શખ્સો દ્વારા સંજય કાપડિયાનું અપહરણ કરવાનો પ્લાન કરવામાં આવ્યો હતો અને બાદમાં જુદી જુદી ચાર ફોર વ્હીલોમાં નવ જેટલા શખ્સો જેતપુર બગસરા રોડ પર આવેલા શ્યામ હોટલ પાસે આવી પહોંચ્યા હતા. સ્થળ પર ફરિયાદી સંજય કાપડિયા પણ હાજર હતા ત્યારે જ આરોપીઓએ સંજય કાપડિયા અને તેની સાથે રહેલા તેના બે મજૂરનું અપહરણ કરી અને લૂંટ ચલાવી હતી અને તેને માર માર્યો હતો.

ચાર જુદી જુદી કારમાં આવેલા આરોપી પ્રશાંત ડેડકીયા, કમલેશ રૂડાણી, મીત વેકરીયા, અજય બોઘરા તેમજ અન્ય મહિલાઓ અને અજાણ્યા કુલ નવ શખ્સો દ્વારા સંજય કાપડિયાને અને તેની સાથે રહેલા બે યુવાનોને બેટ લઈને માથાના ભાગે માર મારવામાં આવ્યો હતો તેમજ ફરિયાદીનું હોન્ડા સાઈન પણ લૂંટી લીધું હતું. ઉપરાંત ફરિયાદી સંજય કાપડિયા સાથે રહેલા રાજેશ શાહુ અને રવિ પાસવાનના મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા અને બાદમાં ત્રણેયનું ફિલ્મી ઢબે અપહરણ કરીને ત્યાંથી નાસી ગયા હતા.

ભેસાણના આરટીઆઈ એક્ટિવિસ્ટના અપહરણની ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં નાકાબંધીનો આદેશ કર્યો હતો. પરંતુ આરોપીઓ પોલીસ પકડમાં ન આવી જાય જેને લઈને ગ્રામ્ય પંથકના રસ્તાઓમાં ઘૂસી ગયા હતા અને ત્યાંથી તે જૂનાગઢ જિલ્લાની હદ ક્રોસ કરી અમરેલીના બગસરા થઈ અને જસદણ તરફ ભાગ્યા હતા અને તે ધંધુકા તરફ જતા હોવાની માહિતી પોલીસને મળતા રાજ્યભરની પોલીસને સ્ટેટ કંટ્રોલરૂમ મારફત નાકાબંધીની સૂચના આપવામાં આવી હતી.

ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના એન્ટ્રી એક્ઝિટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તે સમયે જ જુદી જુદી ચાર કાર ત્યાંથી પસાર થતા તેમાંથી પોલીસે ભોગ બનનાર સંજય કાપડિયા અને તેની સાથે રહેલા બે યુવાનો અને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તુરંત જ આરોપીઓનો પીછો કરતી જૂનાગઢ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને આરોપીઓનો કબજો મેળવી લીધો હતો. પોલીસે અપહરણ કરનાર પ્રશાંત ડેડકિયા, કમલેશ રૂડાણી, અજય બોઘરા અને મીત વેકરીયાની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે ફરિયાદીની પૂછપરછ કરતા ફરિયાદીને આરોપીઓ દ્વારા અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હથિયાર બતાવી અને તમામ આર.ટી.આઈ.ની વિગત પછી ખેંચી લેવા તેમજ તમામ સાહિત્ય આરોપીઓને આપી દેવાની ધમકી આપવામાં આવી હતી. જ્યારે પોલીસે હાલ તો ચાર આરોપીઓની ધરપકડ કરીને ભોગ બનનારોને અપહરણ કરનારાઓ પાસેથી છોડાવ્યા છે જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.