
વર્ષ ૨૦૨૦માં ઘરની વહુએ પોતાની સાસુની હત્યા કરી નાંખવાનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના ગોતા વિસ્તારમાં રહેતી નિક્તિા અગ્રવાલે પોતાની સાસુ રેખા અગ્રવાલ (ઉં. ૫૨ વર્ષ)ની માથામાં સળિયાના ઘા મારી હત્યા કરી હતી. નિક્તિાએ સાસુની હત્યા કર્યા બાદ તેમની લાશ સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં ફેમિલી કોર્ટે પતિને પત્નીને ભરણપોષણના ૪૫ લાખ આપવાનો આદેશ આપ્યો હતો. જેના પર ગુજરાત હાઇકોર્ટે સ્થગિત કરી દીધો છે. મહિલાના પતિએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે, તેની માતાની હત્યાના ગંભીર આરોપ તેની પત્ની પર લાગ્યો છે. તો તે મહિલાને ભરણપોષણ આપવું અયોગ્ય છે. હાઇકોર્ટે પતિની દલીલ સ્વીકારીને ફેમિલી કોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે.
દીપક ગ્રેનાઇટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. દીપકે તેની પત્ની પર માનસિક અને શારીરિક ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો. પત્ની પર માતાની હત્યાનો ગંભીર આરોપ છે. આ વર્ષના ઓગસ્ટમાં, ફેમિલી કોર્ટે આ દંપતીના છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. પરંતુ તેને ભરણપોષણ તરીકે ૪૫ લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. આ નિર્ણય દીપકની આવકના આધારે લેવામાં આવ્યો હતો. દીપકના વકીલ રાહિલ જૈને હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, આવા ગંભીર આરોપોનો સામનો કરતી પત્નીને ભરણપોષણ આપવું યોગ્ય નથી અને શક્ય પણ નથી.
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ કોઈ સાદો છૂટાછેડાનો કેસ નહોતો, પરંતુ પત્ની દ્વારા તેની માતાની હત્યા કરવાથી પતિએ માત્ર ભાવનાત્મક જ નહીં પણ શારીરિક ક્રૂરતાનો પણ ભોગ બનવું પડ્યું હતું. કોર્ટે નિક્તિાને નોટિસ જારી કરી અને જાન્યુઆરીમાં વધુ સુનાવણી નક્કી કરી. બેન્ચે ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશ પર પણ સ્ટે આપ્યો છે.
શહેરના ગોતા વિસ્તારમાં આવેલા સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સ ખાતે રેખા અગ્રવાલના દીકરા દીપકના નિક્તિા ઉર્ફે ન્યારા સાથે વર્ષ ૨૦૨૦માં લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી સાસુ-વહુ વચ્ચે નાની નાની બાબતે તકરાર થતી હતી. એક રાતે પણ કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નિક્તિા અગ્રવાલે સાસુ રેખાબેનની હત્યા કરી નાંખી હતી. ઉશ્કેરાયેલી નિક્તિાએ પહેલા તો સાસુ રેખાબેનને લોખંડના પાઇપથી માર મારીને લોહીલૂહાણ કરી નાંખ્યા હતા અને આ પછી સાસુને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં રેખા અગ્રવાલનું મોત થયું છે. માથામાં પાઇપ મારતાં આખા ઘરમાં લોહી લોહી થઈ ગયું હતું અને દીવાલો પર પણ લોહીના છાંટા ઉડ્યા હતા. જે બાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં બંધ કરી હતી. નિક્તિા તે સમયે ગર્ભવતી હતી અને જેલમાં જ તેને બાળકને જન્મ આપ્યો હતો. બે વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા. આ ઘટના બાદ, નિક્તિાના પતિ દીપક અગ્રવાલે વર્ષ ૨૦૨૧માં છૂટાછેડા માટે અરજી કરી હતી.