
બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે શ્રી ખોડલધામ મંદિર, કાગવડના દશાબ્દી મહોત્સવ નિમિત્તે નીકળેલા શ્રી ખોડલધામ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથના આગમન સાથે સમગ્ર ગામ જય ખોડલના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
જેઠોલી ગામના મુખ્ય પ્રવેશદ્વારે ઢોલ-નગારાં અને શરણાઈના સૂર સાથે રથનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથને ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
માતા ખોડલ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતાં ભાવિક ભક્તોએ રથની સમૂહ મહાઆરતી ઉતારી હતી. જય ખોડલના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રથના આગમનને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આસ્થા જોવા મળી હતી.
કાર્યક્રમનું આયોજન મહીસાગર જીલ્લાના શ્રી ખોડલધામનાં ક્ધવીનર હિતેશભાઈ પટેલ તથા જેઠોલી ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શ્રી ખોડલધામના પ્રતિનિધિઓ દ્વારા કાગવડ ખાતે યોજાનાર દશાબ્દી મહોત્સવમાં જેઠોલી સહિત આસપાસના ગામોના ભાવિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ રથના આગમનથી જેઠોલી ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોની માતા ખોડલ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને આસ્થા જોવા મળી હતી.