હર ઘર તિરંગા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

નગરજનો દેશભક્તિના આ મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી બને:જીલ્લા કલેક્ટર અજય દહિયા.

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ‚પે પંચમહાલ જીલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપવા અને જીલ્લાના તમામ નાગરિકોને આ ઉજવણીમાં સક્રિયપણે જોડાવા માટે પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને ખાસ અપીલ કરવામાં આવી છે.

પોલીસ હેડક્વાર્ટરથી રામસાગર તળાવ સુધી યોજાશે તિરંગા યાત્રા…

પત્રકાર પરિષદમાં કલેક્ટરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ જીલ્લામાં જીલ્લા કક્ષા તેમજ તમામ તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કક્ષાની મુખ્ય તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટરથી શ‚ થઈને રામસાગર તળાવ સુધી યોજાશે. કલેક્ટરએ પંચમહાલ જીલ્લાના અને ખાસ કરીને ગોધરા શહેરના તમામ રહીશોને આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિના રંગે રંગાવા અપીલ કરી છે.

હર ઘર તિરંગા કેમ્પેઇન વિશે વાત કરતા જીલ્લા કલેક્ટર જણાવ્યું કે, સરકાર તરફથી પર્યાપ્ત પ્રમાણમાં ધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નાગરિકો પોતાના ઘરો પર ત્રિરંગો પ્રદર્શિત કરે અને રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રબળ બનાવે તે માટે તેમણે વિનંતી કરી છે.

૧૪મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અન્વયે જીલ્લા કલેકટર એ ઉમેરતા જણાવ્યું હતું કે,આ વર્ષે વિશેષ ‚પે ૧૪મી ઓગસ્ટના રોજ સાંજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગોધરા ખાતે યોજાનારા આ ખાસ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. આઝાદી સમયે દેશના વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી પીડા અને દર્શાવેલા અપ્રતિમ સાહસને યાદ કરવા માટે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ નાટક અને વિવિધ માધ્યમોથી આ સ્મૃતિ દિવસની ઉજવણી રાખવામાં આવી છે.

કલેક્ટર અજય દહિયાએ પંચમહાલના સામાન્ય નાગરિકો, યુવાનો અને તમામ સામાજીક સંગઠનોને આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આયોજીત તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ ઉજવણીને યાદગાર અને સફળ બનાવવા હૃદયપૂર્વક આહ્વાન કર્યું છે.

આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર જે.જે. પટેલ,નાયબ પોલીસ અધિક્ષક દેસાઈ, મદદનીશ કલેકટર, યુવા વિકાસ અધિકારી રાજેશ પારધી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.