હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું : 3 દિવસથી હોટલમાં ગોંધી રખાયા, પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી

ઇરાનમાં ગુજરાતીઓનું કિડનેપિંગ થયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ જાકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારથી આ ત્રણેયને એક હોટલમાં ગોંધી રખાયા છે અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય અમદાવાદના છે અને મંગળવારે ફરવા માટે ગયા હતા.

અમદાવાદના નિસર્ગ (નામ બદલેલું છે) નામના યુવાનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. તે પત્નીને લઇ હનીમૂન માટે જાકાર્તા અને બાલી જવાનો હતો. આ દરમિયાન તેની સાથે બીજો એક યુવાન સૌમિલ (નામ બદલેલું છે) પણ જોડાયો હતો. જાકાર્તા જતાં પહેલાં સૌમિલના મોટાભાઇએ પ્રવીણ શર્મા નામના એક એજન્ટનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને હોટલ બુકિંગ માટે તેમને મળવાનું કહ્યું હતું.

એજન્ટે હોટલની વ્યવસ્થા કરી આપી 18મી તારીખે ત્રણેય જાકાર્તા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં 35 ડોલર આપીને વિઝા ઓન અરાઇવલ લીધા હતા. એરપોર્ટથી જ આ લોકોએ પ્રવીણ શર્માને ફોન કર્યો હતો. જેથી પ્રવીણે તેમને હોટલની વિગતો મોકલી હતી. બાદમાં ત્રણેય ટેક્સી કરીને હોટલ પહોંચ્યા હતા. હોટલમાં ત્રણેયને રહેવા માટે એક જ રૂમ અપાયો હતો. હોટલમાં વાઇફાઇ સહિતની સુવિધા સારી ન હોવાથી તેમણે બુધવારે પ્રવીણને હોટલ બદલવા માટે કહ્યું હતું. જેથી પ્રવીણે તેમને અન્ય રૂમમાં જવાનું કહ્યું હતું પરંતુ હોટલવાળાએ બીજો રૂમ આપ્યો નહોતો.

ગુરૂવારે પ્રવીણ શર્મા અને આ ત્રણેય ગુજરાતીઓની મુલાકાત થઇ હતી. જેમાં પ્રવીણે તેમને ઓસ્ટ્રેલિયા મોકલવાની ઓફર કરી હતી પરંતુ ત્રણેયે ઇન્કાર કરી દીધો હતો. તેમ છતાં પ્રવીણે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા બનાવી વોટ્સએપમાં મોકલી દીધા હતા.

આ શખસોએ પોતાની ઓળખ ઇમિગ્રેશન ઓફિસર તરીકેની આપી હતી

આ દરમિયાન શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમની હોટલમાં એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પોતાની ઓળખ ઇમિગ્રેશન ઓફિસર તરીકે આપી હતી અને ત્રણેયના પાસપોર્ટ માંગ્યા હતા. જેથી નિસર્ગ અને તેની પત્નીએ પાસપોર્ટ આપી દીધો હતો પણ સૌમિલે એ શખસને સામે પૂછ્યું હતું કે તમારે પાસપોર્ટનું શું કામ છે.આના પછી તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને પછી ઝપાઝપી પણ થઇ. જેથી સૌમિલે હોટલની સિક્યોરિટી પાસે જઇને પોલીસને ફોન કરવા દેવાનું કહ્યું હતું પણ તેને ફોન કરવા દેવાયો નહોતો.

જેના પછી એ શખસે નિસર્ગ અને તેની પત્નીનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. બાદમાં એ શખસે અન્ય લોકોને બોલાવી સૌમિલના હાથ બાંધી દીધા હતા અને ત્રણેયને જાકાર્તાની ઇમિગ્રેશન ઓફિસમાં લઇ ગયા હતા. જ્યાં નિસર્ગ અને તેની પત્નીને અલગ રાખ્યા હતા. જ્યારે સૌમિલને લોકઅપમાં રાખ્યો હતો. લોકઅપમાં સૌમિલને માર મારીને કરંટ અપાયો હતો. અહીં ત્રણેયના મોબાઇલ પણ જપ્ત કરી લેવાયા હતા. જેમાં પ્રવીણ શર્માએ મોકલેલા ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા મળ્યાં હતા. જેથી આ મામલે પણ તેમની પૂછપરછ થઇ હતી અને ઓસ્ટ્રેલિયા જવા માટે જાકાર્તા આવ્યા હોવાનું કાગળ પર લખાવી તેમની સહી કરાવી લીધી હતી. સાતેક કલાક રખાયા બાદ તેમને હોટલમાં મોકલી દેવાયા હતા. હાલમાં ત્રણેયને ઇસ્ટ જાકાર્તાની એક હોટલમાં રખાયા છે અને નવી સૂચના ન મળે ત્યાં સુધી હોટલ બદલવાની મનાઇ કરી છે.

સૌમિલે જ્યારે આ અંગે પોતાના ભાઇને વાત કરી ત્યારે ખબર પડી કે હકીકતમાં પ્રવીણ શર્મા વોન્ટેડ છે. તેમની સાથે જાકાર્તામાં જે-જે ઘટના બની છે તેની પાછળ પ્રવીણ શર્માનો જ હાથ છે. સૂત્રોનું માનીએ તો પ્રવીણ શર્મા અને તેના મળતિયાઓએ નિસર્ગ, તેની પત્ની અને સૌમિલને છોડવા માટે તેમના પરિવાર પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા છે.

આ સમગ્ર મામલો હવે જાકાર્તાના ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો છે. સૌમિલના ભાઇએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેલ કરી ઘટનાની જાણ કરી છે.

ભારતીય દૂતાવાસને કરેલો ઇમેલ મારો ભાઇ અને તેના મિત્રો મંગળવારે પ્રવીણ શર્મા નામના એજન્ટ દ્વારા જાકાર્તા પહોંચ્યા હતા. તેઓ એક હોટલમાં રોકાયા હતા પરંતુ આજે એજન્ટે ઇમિગ્રેશન ઓફિસરને તેમની હોટલ પર મોકલ્યા હતા. ઓફિસર તેમને ક્લાસ-1 ઇમિગ્રેશન ઓફિસ, ઉત્તર જાકાર્તા ખાતે લઇ ગયા હતા. હોટલ છોડતા પહેલા મારા ભાઇએ મને લાઈવ લોકેશન મોકલ્યું હતું. અમને મળી એ માહિતી અનુસાર એજન્ટે મારા ભાઇ અને તેના મિત્રોને તેમના ફોન પર નકલી ડોક્યુમેન્ટ્સ મોકલીને ફસાવ્યા છે. અમે સવારથી જ તેમને કોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ વાત નથી કરી શક્યા. મહેરબાની કરીને અમારી મદદ કરશો.