
પંચમહાલ જિલ્લાના હાલોલના રવાલિયા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી છેલ્લા બે-ત્રણ દિવસથી જમીનમાંથી રહસ્યમય રીતે ધુમાડો નીકળી રહ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે અને સ્થાનિકોમાં ભય તેમજ કુતૂહલ જોવા મળી રહ્યું છે. જોકે, ગામના સરપંચના જણાવ્યા મુજબ વીજપોલ નજીક અર્થિંગમાં કરંટ ઉતરતા ધૂમાડો નીકળી રહ્યો છે હાલ આ અંગે MGVCLને જાણ કરાઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, રવાલિયા ગામના પેટા ફળિયામાં આવેલા એક ખેડૂતના ખેતરમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા હતા. જોકે, જમીનમાંથી સતત ધુમાડો નીકળતો હોવાથી અને કોઈ અનિચ્છનીય ઘટના બનવાની આશંકાને કારણે લોકોએ નજીક જવાની હિંમત કરી ન હતી.
ઘટનાસ્થળની નજીક વીજપોલ પણ આવેલો હોવાથી વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ઘટના સતત બનતી હોવાથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. બીજી તરફ આ અંગે રવાલિયા ગ્રામ પંચાયતના સરપંચ નાયક મંગલ ચંદુભાઈના જણાવ્યા અનુસાર અહિં બાજુમાં જે વીજપોલ આવેલો છે તેના અર્થિંગમાં કરંટ ઉતરવાનાં કારણે જમીનમાંથી ધુમાડા નીકળી રહ્યા છે. આ અંગે ખૠટઈકને જાણ કરવામાં આવી છે.