
હાલોલ ટોલનાકા પાસે જ્યોતિ સર્કલ નજીક મુખ્ય માર્ગ પર વીજ પુરવઠાનો થાંભલો વાયર સાથે તૂટી પડતા તેનો ચાલુ વીજ વાયર રોડ પર પસાર થતી કાર પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બનેલ ઘટનામાં કોઈ જાણ હાનિ ન થતા લોકોમાં હાશકારો થયો હતો.બનાવ ને પગલે વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી જરૂરી કામગીરી હાથધરી હતી. બનેલી ઘટનાની વિગત એવી છે કે, આજે સવારના સમયે હાલોલ ટોલનાકા પાસે જ્યોતિ સર્કલ નજીક મુખ્ય માર્ગ પર એક ટ્રક (ડમ્ફર) હાલોલ તરફ આવી રહ્યું હતું. દરમ્યાન રોડને ક્રોસ કરતો વીજ વાયર નીચો હોઈ આ ટ્રકની ઉપર ભરાઈ જતા વીજ વાયર ખેંચાતા ધડાકા ભેર થાંભલો તૂટી પડતા આ મુખ્ય માર્ગ પરથી પસાર થતી બે કાર પર પડતા અફરા તફરી મચી ગઈ હતી. જીવંત સિંગલ વાયર હોવા છતાં કોઈ અઘટીત ઘટના બની ન હતી અને કોઈને નુકશાન થયું ન હતું જોકે એકાએક વાયર સાથે થાંભલો પડતા લોકો ગભરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ વીજ કંપનીને જાણ કરતા તેના કર્મચારીઓ વીજળીક ગતિએ ઘટના સ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી તેઓની કામગીરી આરંભી બે કલાક જેટલી જહેમત બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. બનાવને પગલે એક સાઈડનો મુખ્ય માર્ગ બંધ થઇ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ ઘટના સ્થળે દોડી આવી થયેલ ટ્રાફિક ને દૂર કરી રાબેતા મુજબ ચાલુ કર્યો હતો.