
કૃષિ અને તેને સંલગ્ન ડિપ્લોમા અને સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરાયું.
વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીની મહત્તા અને સબંધિત વિવિધ અભ્યાસક્રમો અંગે માહિતગાર કરવામાં આવ્યા.
આણંદ કૃષિ યુનિવર્સિટી (અઅઞ) અતંર્ગત કાર્યરત ગોધરાની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ ખાતે તા.30/12/2025 રવિવારના રોજ કૃષિ અને તેને સંલગ્ન ચાલતા ડિપ્લોમા અને સ્નાતકકક્ષાના વિવિધ અભ્યાસક્રમો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અને સચોટ માર્ગદર્શન આપવાના હેતુથી કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કૃષિ અને સંલગ્ન વિવિધ અભ્યાસક્રમો વિશે સચોટ માહિતી, તેની મહત્વતા તથા કૃષિ ક્ષેત્રમાં રહેલ કારકિર્દીલક્ષી ઉજ્જવળ તકો વિશે માર્ગદર્શન આપવાનો હતો.
આ સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે કોલેજના આચાર્ય અને વિદ્યાશાખાઅધ્યક્ષ ડો.આર.સુબૈયાહ દ્વારા વિદ્યાર્થીઓને ભારત દેશના વિકાસમાં કૃષિની અગ્યતતા, કૃષિ અને તેને સંલગ્ન જુદા જુદા અભ્યાસક્રમોની મહત્વતા, કૃષિ ક્ષેત્રમાં રહેલ કારકિર્દીલક્ષી ઉજવળ તકો, કૃષિ ક્ષેત્રમાં સંશોધન, ટેકનોલોજી અને નવીનતા કૃષિ-ટેકનોલોજીથી લઈને બાયોટેકનોલોજી સુધી નવી નોકરીઓ અને ભૂમિકાઓનું સર્જન તેમજ પ્રાકૃતિક ખેતી અને તેના મહ્ત્વ અને પ્રાકૃતિક ખેતીના વિવિધ અભ્યાસક્રમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વધુમાં પ્લાસમા ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક તથા દિલ્લી પબ્લિક સ્કૂલના પાર્ટનર રોનક પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને કૃષિ શિક્ષણ અને કારકિર્દીના વિકલ્પોની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને, કૃષિ ક્ષેત્રમાં સંશોધન, ટેકનોલોજી અને નવીનતા કૃષિ-ટેકનોલોજીથી લઈને બાયોટેકનોલોજી સુધી નવી નોકરીઓ અને ભૂમિકાઓનું સર્જન કેવી રીતે થઈ રહ્યું છે તે વિશે જાણકારી આપી.
આ સેમિનારમાં ગોધરા તાલુકા તેમજ ગોધરા શહેરની વિવિધ શાળાઓમાં ધોરણ 10 થી ધોરણ 12 ના એ ગ્રુપ અને બી ગ્રુપમાં અભ્યાસ કરતાં કુલ 300 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.