ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મુદ્દો,કોર્ટ બહાર અશોક ચૌધરી પર જીવલેણ હુમલાનો પ્રયાસ!

ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારી અને તેમના પ્રેમ લગ્નનો વિવાદ ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડ્યો છે. ભૂતકાળમાં કિંજલ રબારી અને અશોક ચૌધરીએ પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ સામાજિક દબાણ આવતા બંને પોતાની મરજીથી છૂટા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ બાદ મામલો કોર્ટે ચડ્યો હતો. તાજેતરમાં જ ૧૫ જૂનના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં આ કેસની મુદ્દત દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને અશોક ચૌધરી પર જાનલેવા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

લોક ગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીએ પ્રેમ લગ્ન કર્યા બાદ સમાજ અને પરિવાર તરફથી ભારે દબાણ ઊભું થયું હતું. સામાજિક વિવાદ વધતા આખરે બંને પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ કિંજલ રબારી દ્વારા રાધનપુરની ફેમિલી કોર્ટમાં વિધિવત રીતે છૂટાછેડા મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ૧૫ જૂનના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસની મુદ્દત હતી. અશોક ચૌધરી કોર્ટની કાર્યવાહી અને મુદ્દત પૂર્ણ કરીને પોતાની ગાડીમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ચાર જેટલા અજાણ્યા ઈસમોએ તેમની ગાડીને ઘેરી લીધી હતી. આ હુમલાખોરોના હાથમાં તીક્ષણ હથિયારો હતા અને તેમણે અશોક ચૌધરી પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે, અશોક ચૌધરી આ હુમલામાંથી આબાદ બચી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કિંજલ રબારીના પરિવારજનો દ્વારા અશોક ચૌધરી પર કિંજલ સાથે કાયદાકીય રીતે છૂટાછેડા લેવા અને ડિવોર્સના કાગળો પર સહી કરવા માટે અવારનવાર ભારે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહી કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ નનૈયાના કારણે જ મામલો વધુ ગરમાયો હોવાનું અને તેના પરિણામ સ્વરૂપ જ આ હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું મનાઈ રહ્યું છે.

કોર્ટ પરિસરની બહાર જીવલેણ હુમલાના પ્રયાસ બાદ અશોક ચૌધરી તાત્કાલિક પોલીસના શરણે પહોંચ્યા હતા. તેમણે આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં ૪ શખ્સો વિરુદ્ધ નામજાગ/અજાણ્યા લોકો સામે ગુનાહિત કાવતરું રચવા અને હુમલો કરવાના પ્રયાસ બદલ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી સિંગર કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે પ્રેમ લગ્ન થયા હતા. સામાજિક દબાણ બાદ કિંજલ રબારીએ રાધનપુર ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. કાગળો પર સહી ન કરવા બાબતે અશોક ચૌધરી પર અવારનવાર દબાણ કરાતું હતું. ૧૫ જૂને મુદ્દત પતાવી પાછા ફરતા અશોક ચૌધરીની ગાડીને ઘેરી તીક્ષ્ણ હથિયારોથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ અશોક ચૌધરીએ સમી પોલીસ મથકે ૪ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.