ગુજરાત ભાજપમાં ‘નો રિપીટ’ની  ચર્ચા  તેજ: ૨૦૨૭ની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પત્તા કપાશે?

ગુજરાતની રાજનીતિમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોના નામો બાદ નવી ચર્ચાઓ શરૂ થઈ છે. પક્ષે આ વખતે અનુભવી અને લાંબા સમયથી સક્રિય રહેલા કેટલાક નેતાઓને બદલે તુલનાત્મક રીતે યુવા અને સંગઠન આધારિત ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ નિર્ણયને લઈને હવે ભાજપના સિનિયર નેતાઓ અને વર્તમાન ધારાસભ્યોમાં અનેક અટકળો ચાલી રહી છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે રાજ્યસભાની જેમ જો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે તો અનેક સિનિયર નેતાઓ માટે પડકાર ઉભો થઈ શકે છે. પક્ષના કેટલાક કાર્યકરો અને નેતાઓ માને છે કે આ નિર્ણય ભવિષ્યના રાજકીય સંકેત તરીકે જોવામાં આવી શકે છે.

રાજ્યસભા માટે પસંદ કરાયેલા ઉમેદવારોમાં મોટા ભાગના નેતાઓ તુલનાત્મક રીતે યુવા વર્ગમાંથી આવે છે. જેના કારણે હવે ચર્ચા શરૂ થઈ છે કે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી માટે ઉંમર, કાર્યક્ષમતા અને સંગઠન પ્રત્યેનું યોગદાન જેવા માપદંડો વધુ મહત્વના બની શકે છે.

ભાજપે અગાઉ પણ અનેક રાજ્યોમાં ‘નો રિપીટ’ અને ‘પર્ફોર્મન્સ આધારિત પસંદગી’ની નીતિ અપનાવી છે. ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણી દરમિયાન પણ ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. હવે ફરી આવી જ વ્યૂહરચના અપનાવવામાં આવશે કે નહીં તે અંગે રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.

પક્ષના અનેક અનુભવી ધારાસભ્યો અને નેતાઓ લાંબા સમયથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જા ઉમેદવારી પ્રક્રિયામાં નવી પેઢીને પ્રાથમિકતા આપવામાં આવશે તો કેટલાક જાણીતા રાજકીય ચહેરાઓ માટે આગામી ચૂંટણી મુશ્કેલ બની શકે છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ભાજપ આગામી ચૂંટણીમાં જીતની સંભાવના, સ્થાનિક લોકપ્રિયતા, સંગઠન સાથેનું જોડાણ અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરશે.

વડોદરાની માંજલપુર બેઠકના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ યોગેશ પટેલ નું નામ પણ આ ચર્ચામાં વારંવાર લેવાઈ રહ્યું છે. તેઓ સતત આઠ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા અને પક્ષે અગાઉના કેટલાક માપદંડો હોવા છતાં તેમના અનુભવ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમને ઉમેદવારી આપી હતી. યોગેશ પટેલના નિધન બાદ હવે માંજલપુર બેઠક પર નવા નેતૃત્વની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે.

ભાજપના ચારેય રાજ્યસભા ઉમેદવારોએ એકસાથે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , રાજ્ય સરકારના મંત્રીઓ અને પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં સંગઠન માટે લાંબા સમયથી કાર્યરત, સામાજિક રીતે પ્રભાવશાળી અને વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

હાલ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજ્યસભાની પસંદગીએ ભાજપના આંતરિક રાજકારણ અને ભવિષ્યની ઉમેદવારી પ્રક્રિયાને લઈને નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. આગામી સમયમાં પક્ષ કઈ વ્યૂહરચના અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.