
ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કચલધરા ગામે પ્રસ્તાવિત GIDC મુદ્દે આજે પરિસ્થિતિ ભારે તંગ બની હતી. તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતા પોલીસે બળપ્રયોગ કરી લાઠીચાર્જ કર્યો હોવાના ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.ગતરોજ કલેક્ટરને આવેદન, આજે સીધો સર્વે શરૂ થતાં ખેડૂતોમાં આક્રોશ
ગ્રામજનોના જણાવ્યા મુજબ ગતરોજ જ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી GIDC રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનો દાવો છે કે કલેક્ટરે સ્થળ નિરીક્ષણ બાદ નિર્ણય લેવાની ખાતરી આપી હતી, પરંતુ તે પહેલાં જ આજે તંત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે શરૂ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.”અમારી એક ઈંચ જમીન પણ નહીં આપીએ” – ખેડૂતોનો પડકાર
મધ્યપ્રદેશની સરહદે આવેલા આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પોતાના સર્વે નંબરોમાં ખેતી કરી રહ્યા છે. સરકાર કોઈપણ ભોગે તેમની જમીન લઈ શકશે નહીં અને અંતિમ શ્વાસ સુધી લડત ચાલુ રહેશે.
ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હોવાનો દાવોગ્રામજનોના કહેવા મુજબ સમગ્ર વિસ્તારમાં 700થી 800 જેટલા પોલીસ કર્મચારીઓ ખડકી દેવામાં આવ્યા હતા. ગામના દરેક રસ્તા અને ખેતરો તરફ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના કારણે સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
મહિલાઓને ઈજા, ઘરોમાં તોડફોડ અને બેરહેમ મારપીટના આક્ષેપ વિરોધ કરી રહેલા ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસે મહિલાઓ સહિત ખેડૂતો પર લાઠીઓ વરસાવી હતી. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું તેમજ કેટલાક ઘરોમાં નુકસાન થયું હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. વિરોધકારીઓને ગડદાપાટુ માર મારી બળજબરીથી પોલીસ વાહનમાં બેસાડી લઈ જવાયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
હવામાં ફાયરિંગ કરાયું હોવાનો પણ દાવોઘટના દરમિયાન પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જોકે આ અંગે પોલીસ કે વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ચાકલીયા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હોવાની માહિતીઘટના બાદ પોલીસે અનેક વિરોધકારીઓને કસ્ટડીમાં લઈ ચાકલીયા પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
“લોકશાહી દેશમાં રાજાશાહી વહીવટ” ગ્રામજનોનો આક્રોશગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર સ્થાનિક લોકો સાથે કોઈ ચર્ચા કર્યા વિના GIDC લાદવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રામસભામાં GIDCનો વિરોધ કરતો ઠરાવ પસાર થયા છતાં તેને અવગણીને સર્વે શરૂ કરવામાં આવ્યો છે. લોકશાહી દેશમાં પોતાના હક્ક માટે અવાજ ઉઠાવનારા ખેડૂતો પર બળપ્રયોગ કરવો એ લોકશાહી પર સીધો પ્રહાર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
હવે સરકાર શું નિર્ણય લેશે?કચલધરાની ઘટનાએ GIDC મુદ્દે સમગ્ર દાહોદ જિલ્લામાં રાજકીય અને સામાજિક ગરમાવો વધારી દીધો છે. એક તરફ ખેડૂતો પોતાની જમીન બચાવવા આરપારની લડાઈ લડવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર વિકાસના નામે કામગીરી આગળ વધારી રહ્યું છે. હવે સરકાર અને વહીવટી તંત્ર આ સમગ્ર ઘટનામાં શું નિર્ણય લે છે તેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાઈ છે.