ગોધરામાં 5 એકમો ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા:ઉત્તરપ્રદેશના લખનઉની ઘટના બાદ સરકારી ITI, હોસ્પિટલો સહિત 20થી વધુ એકમોમાં ફાયર સેફ્ટી ચેકિંગ

લખનઉમાં બનેલી આગની દુર્ઘટના બાદ ગોધરા ફાયર વિભાગ સક્રિય બન્યું છે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 20થી વધુ એકમોમાં ફાયર સેફ્ટીના સાધનોની કડક ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ગોધરાની સરકારી ITI, જાણીતી હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસ સહિતના એકમોનો સમાવેશ થાય છે. આ ચકાસણીમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા પાંચ એકમો સામે તંત્રએ કડક પગલાં લીધા છે.નિયમોનું પાલન ન કરનારા ગોધરા ITI સહિતના પાંચ મોટા એકમોને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી નોટિસો ફટકારવામાં આવી છે.

ફાયર વિભાગની આ અચાનક અને કડક કાર્યવાહીના પગલે લાયસન્સ વગર કે નિયમો વિના ચાલતી હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફાયર વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારા એકમોને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.