
ગોધરા શહેરના કનેલાવ પિકનિક પોઈન્ટ પાછળ આવેલા કૂવામાં પડી જવાથી ૧૭ વર્ષીય સગીરનું અવસાન થયું છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જે અંગે એ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સગીરનું નામ મિહિર પિયુષભાઈ પટેલ (ઉંમર ૧૭ વર્ષ) હતું. તે સ્ટેશન રોડ વિસ્તાર નજીક નીલમલોજ, રેલવે સ્ટેશન પાસે રહેતો હતો. મિહિર કનેલાવ પિકનિક પોઈન્ટ પાછળ આવેલા કૂવા પાસે હતો, ત્યારે આ દુર્ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શ કરી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની સહિતની ટીમ પણ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ફાયર વિભાગના જવાનોએ કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, સગીર મોબાઇલ ફોન પર વાત કરતા સમયે કૂવામાં પડી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શ કરી છે.