ગોધરા તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં કેળવણીના ભાગરૂપે આનંદ મેળો યોજાયો

વિદ્યાર્થીઓએ 19 જેટલા સ્ટોલ ઉભા કરી ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખ્યા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયા જ્ઞાનને બદલે જીવન જીવવાની કળા અને ઉદ્યોગ દ્વારા શિક્ષણ મળે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉદ્દેશ્યને સાર્થક કરવા અને વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણ સાથે વ્યવહારિક જ્ઞાન વિકસે તે હેતુથી આજરોજ ગોધરા તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું સઆયોજન કરવામાં આવ્યું હતું.

શાળામાં અભ્યાસ સાથે વિવિધ ઈતર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ભાગરૂપે યોજાયેલા આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ 19 જેટલા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવીને તેનું વેચાણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ સફાઈપૂર્વક અને સુઘડ રીતે સ્ટોલ સજાવીને વેચાણ કરતા, તેઓમાં નાનપણથી જ આત્મનિર્ભરતા અને વ્યાપાર કૌશલ્યના ગુણો કેળવાયા હતા.

આ કાર્યક્રમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં રાયસિંગપુરા ગામના ગ્રામજનો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. ગ્રામજનોએ બાળકોએ બનાવેલી વાનગીઓનો સ્વાદ માણી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ચંદુભાઈ તાવિયાડના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો સર્વ દલપતસિંહ બારીયા, ડો. મહેન્દ્ર પરમાર, જતીનભાઈ પાઠક અને ધર્મિષ્ઠાબેન સહિત એસ.એમ.સી. પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.