રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે પાવાગઢ-ચાંપાનેરના આંગણે 9 મા તબક્કાના પંચમહોત્સવનો ભવ્ય પ્રારંભ

ગુજરાતના પ્રખ્યાત ગાયક પાર્થિવ ગોહિલના મધુર અવાજથી સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમનો લ્હાવો.

વડાતળાવ ખાત મનમોહક દ્ર્શ્યનું સર્જન: માતાજીની મહાઆરતી કરાઇ.

પંચમહોત્સવના ક્રાફટ બજાર, ફૂડ સહિતના વિવિધ આકર્ષક સ્ટોલસને મંત્રીના હસ્તે ખુલ્લા મુકાયા.

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ 2015થી પ્રતિ વર્ષ હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે પંચમહોત્સવ યોજાય છે.

જે અંતર્ગત 9 મા તબક્કાના પંચમહોત્સવનું ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધનના રાજ્યકક્ષા મંત્રી તથા પંચમહાલના પ્રભારી મંત્રી રમેશભાઈ કતારાના હસ્તે ભવ્ય પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પંચમહાલના પ્રભારી મંત્રીએ રીબીન કાપીને પંચમહોત્સવને ખુલ્લો મુક્યો હતો અને મંત્રી સાથે મહાનુભાવોએ ક્રાફટ બજાર, ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે દિપ પ્રજ્જ્વલિત કરીને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરાવતા મંત્રી રમેશભાઈ કટારાએ પાવાગઢ વૈશ્વિક સ્તર પર પ્રવાસન તરીકે વિકસ્યું છે તેમ કહી તેમણે તીર્થધામ પાવાગઢના વિકાસ માટે સરકારે કરેલા વિકાસ કામો વિશે જણાવી પંચમહોત્સવના ભવ્ય આયોજન બદલ જીલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.

આ તકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાવાગઢના વિકાસને નવો ઓપ આપ્યા હોવાનુ જણાવ્યુ હતુ. ધારાસભ્યએ વર્ષ 2015થી ઉજવાતા પંચમહોત્સવને પાવાગઢની પવિત્ર ભૂમિ પર એક આગવી ઓળખ બની ગયો હોવાનું જણાવી તેમણે રાજ્ય સરકારની સિધ્ધિઓ અંગે વાત કરતા પાવાગઢથી માચી સુધીના ફોર લાઈન રસ્તો, વડા તળાવનો વિકાસ સહિતના વિવિધ વિકાસ કાર્યોની વિસ્તૃત વાત કરી હતી અને પંચમહોત્સવના સુંદર આયોજન માટે જીલ્લા વહીવટી તંત્રને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જીલ્લા કલેકટર અજય દહિયાએ પંચમહોત્સવમાં ઉપસ્થિત મંત્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય અને તમામ મહાનુભાવો, પદાધિકારી-અધિકારી અને જીલ્લાવાસીઓનું સહર્ષ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તેમણે પંચમહોત્સવના નવમા તબક્કાના આયોજન અંગે અને હેરિટેજ સાઇટ ચાંપાનેર અને પાવાગઢના મહત્વ વિશે વિસ્તૃત વાત કરી હતી.

પંચમહોત્સવના મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમની નિમિત્તે આયોજીત સંગીત સંધ્યામાં ગુજરાતના પ્રખ્યાત ગાયક પાર્થિવ ગોહિલે તેમના તાલબદ્ધ અને સુરમયી મધુર સ્વરથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં અને તેમના મધુર અવાજે ગીતો સાંભળીને પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, ધારાસભ્ય સર્વ જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, મતી નિમિષાબેન સુથાર, અગ્રણી મયંકભાઇ દેસાઈ સહિત જીલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ સહિત મીડીયાકર્મીઓ અને મોટી સંખ્યામાં પંચમહાલવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.