ગોધરામાં બળદની કતલનો પ્રયાસમાં એક આરોપી ઝડપાયો:ગેની પ્લોટમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલો બળદ મળ્યો.

ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં એક બળદની ક્રૂરતાપૂર્વક કતલ કરવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવ ગોધરા શહેરના ગેની પ્લોટ, ઉમર મસ્જિદ પાસે બન્યો હતો. આરોપીઓ એક સફેદ કલરના બળદને સ્વીફ્ટ ગાડી (રજી.નં. GJ-01-HR-0317) માં ટૂંકા દોરડાઓ વડે ખીચોખીચ બાંધી, મરણતોલ હાલતમાં લાવ્યા હતા. ત્યારબાદ તેઓ બળદને ગાડીમાંથી ઉતારી કતલ કરવાના ઇરાદે એક મકાનમાં બાંધી રહ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલ ગણપતસિંહ ભીમસિંહની ફરિયાદના આધારે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2011 (2017 સુધારા સાથે) ની કલમ 6(એ), 8(4), 10 તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11(1)(ડી)(ઈ)(એફ) અને જી.પી. એક્ટ કલમ 119 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ કેસમાં મહેફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ (રહે. ગેની પ્લોટ, ઉમર મસ્જિદ પાસે, ગોધરા) અને ઇર્શાદ યુસુફ મીઠા (રહે. મીઠીખાન મહોલ્લા, દારૂ સલામ મસ્જિદની બાજુમાં, ગોધરા) ને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે ઇર્શાદ યુસુફ મીઠાની ધરપકડ કરી છે, જ્યારે મહેફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસે ઘટનાસ્થળેથી 25,000 રૂપિયાની કિંમતનો એક બળદ, 1,000 રૂપિયાનો ઇલેક્ટ્રોનિક વજનકાંટો, 20 રૂપિયાની છરી, 5,000 રૂપિયાનો મોબાઇલ ફોન, દોરડું, 1,00,000 રૂપિયાની સ્વીફ્ટ ગાડી અને 25,000 રૂપિયાનું મોટરસાયકલ સહિત કુલ 1,56,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસની વધુ તપાસ પો.સ.ઇ. એસ.એસ. મહામુનકર કરી રહ્યા છે.