
ગરબાડા નજીક આવેલા પાટીયાઝોલ પુલ પર વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી લોખંડની ભારે પાઇપો ભરીને મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ જઈ રહેલી એક લોડીંગ ટ્રક પાટીયાઝોલ પુલ પર અચાનક પલટી મારી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, પાટીયાઝોલ પુલ પર આવેલા તીવ્ર વળાંકના કારણે ટ્રક ચાલકે સ્ટેઅરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર બંનેનો આબાદ બચાવ થયો છે, જેથી મોટી જાનહાનિ ટળી છે. જોકે, અકસ્માતને કારણે લોડીંગ ટ્રકને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીયાઝોલ પુલના વળાંક પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે, જેને લઈને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળે છે. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.