
ગરબાડા તાલુકાના ગરબાડા ઘટક-૧ હેઠળ આવતી ભૂતરડી-૧ આંગણવાડી કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડી મળતાં વિસ્તારના નાના ભૂલકાંઓ માટે પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.
આ લોકાર્પણ પ્રસંગની સાથે ‘આંગણ મિલન ઉત્સવ’ની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ અંતર્ગત આંગણવાડીના ભૂલકાંઓને તાજા ફળ અને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિસ્તારની કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને ‘ટેક હોમ રાશન’ (THR) નું વિતરણ કરી તેઓને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રેરણાદાયી સંદેશો પણ એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રજાની આરોગ્ય અને પોષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર, તેડાઘર તથા આશા વર્કર બહેનોને તેમની સરાહનીય કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી વિશેષપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગરબાડા ઘટક-૧ ના સી.ડી.પી.ઓ. , સરપંચ, પંચાયત સભ્યો, ગ્રામીણ આગેવાનો, બાળકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવીન આંગણવાડી મકાનની પ્રાપ્તિથી બાળકોના પૂર્વ-પ્રાથમિક શિક્ષણને વેગ મળશે તેમજ પૂરક પોષણ અને વિવિધ આરોગ્ય વિષયક સેવાઓનું સુચા અમલીકરણ શક્ય બનશે, જે બાળકોના ઉત્કૃષ્ટ અને સાર્વત્રિક ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.