ગાંધીનગર પોલીસ લાઈનમાં આવાસ કૌભાંડ. ૧૦૬૧ જવાનો રાહમાં, નિવૃત્ત કર્મચારીઓએ કબ્જો જમાવ્યો

ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ જવાનો પોતે જ હવે આવાસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગર પોલીસ લાઈનમાં કાયદેસર રીતે સરકારી આવાસ મેળવવા માટે ૧,૦૬૧ જેટલા પોલીસ કર્મચારીઓ લાંબા સમયથી રાહ જાઈ રહ્યા છે.બીજી તરફ, અનેક સરકારી ફ્લેટો પર નિવૃત્ત અથવા બદલી પામેલા કર્મચારીઓએ અનધિકૃત રીતે કબજા જમાવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે.

સરકારી નિયમો મુજબ, કોઈપણ પોલીસ કર્મચારીની બદલી થાય અથવા નિવૃત્તિ બાદ ત્રણ મહિનાની અંદર સરકારી આવાસ ખાલી કરવું ફરજિયાત છે. તેમ છતાં ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આવેલા પોલીસ આવાસોમાં ઘણા પરિવારો હજુ પણ ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે.કેટલાક કિસ્સાઓમાં તો પોલીસ કર્મચારીઓ પાસે ગાંધીનગરમાં પોતાના ખાનગી ફ્લેટ હોવા છતાં તેઓ સરકારી આવાસ ખાલી કરી રહ્યા નથી.

આ પરિસ્થિતિને કારણે હાલ ફરજ બજાવતા કોન્સ્ટેબલો અને સબ-ઇન્સ્પેક્ટરોમાં ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે. પાત્રતા હોવા છતાં સરકારી આવાસ ન મળતા અનેક જવાનોને ખાનગી મકાનોમાં મોંઘું ભાડું ચૂકવી રહેવું પડી રહ્યું છે.પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવાસોની યોગ્ય ચકાસણી ન થતા હાલની સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું કહેવાઈ રહ્યું છે.

ગાંધીનગર પોલીસ વિભાગના આવાસ વિભાગના આંકડા મુજબ હાલ ૧,૦૬૧ પોલીસ જવાનો આવાસ ફાળવણીની રાહ જાઈ રહ્યા છે. રહેઠાણની અછત હવે ગંભીર સ્તરે પહોંચી છે, જેના કારણે નવા ભરતી થયેલા અને બદલી થઈને આવેલા જવાનોને ભારે મુશ્કેલી પડી રહી છે.

પોલીસ બેડામાં હવે ચર્ચા છે કે નિયમો હોવા છતાં ગેરકાયદે રીતે સરકારી આવાસોમાં રહેતા લોકો સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. હવે નજર પોલીસ વડા દ્વારા આ મામલે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે કે નહીં તેના પર છે.