ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતાના ધજાગરા! ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ ધૂળ અને ઝાડી-ઝાંખરાં વચ્ચે ઉપેક્ષિત

TDOની ઓફિસ સામે જ ગંદકી અને બેદરકારીનો અંબાર; પ્રતિમાઓની આસપાસ ઘાસ, પીપળાનાં છોડ અને જાળાં જોવા મળતાં તંત્રની કામગીરી સામે સવાલો

એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રપ્રેમની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં જ સ્વચ્છતાના દાવાઓની પોલ ખૂલતી જોવા મળી રહી છે. તાલુકા વિકાસ અધિકારીની કચેરીની સામે સ્થાપિત ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ ધૂળ, કરોળિયાનાં જાળાં અને ઝાડી-ઝાંખરાં વચ્ચે ઉપેક્ષિત હાલતમાં જોવા મળતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં TDOની ઓફિસની સામે જ ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ આવેલી છે. જોકે, આ પ્રતિમાઓની આસપાસ લાંબા સમયથી યોગ્ય સાફસફાઈ અને જાળવણી કરવામાં ન આવી હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં છે. પ્રતિમાઓ પર ધૂળ અને કરોળિયાનાં જાળાં જોવા મળી રહ્યાં છે, જ્યારે આસપાસ ઘાસ, પીપળાનાં છોડ સહિતનાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં છે. સમગ્ર સ્થળની હાલત જોતાં જાણે લાંબા સમયથી સફાઈ જ કરવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું છે.

સૌથી ગંભીર બાબત એ છે કે તાલુકાના વહીવટી તંત્રનું મુખ્ય કેન્દ્ર ગણાતી તાલુકા પંચાયત કચેરીમાં જ આવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાંથી તાલુકાનાં ગામોના વિકાસ અને સ્વચ્છતા સહિતની કામગીરીનું આયોજન અને સંચાલન કરવામાં આવે છે, ત્યાં જ સ્વચ્છતાની આવી દયનીય સ્થિતિ તંત્રની કાર્યશૈલી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.

બીજી તરફ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. ભાજપના વિવિધ કાર્યક્રમો અને સભાઓમાં ભારત માતા કી જયના નારા ગુંજતા હોય છે. ત્યારે ભારત માતાના નામે નારા લગાવવાની સાથે તેમની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિત્વની પ્રતિમાઓની જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે. માત્ર નારા લગાવવાથી રાષ્ટ્રપ્રેમ સાબિત થાય કે પછી રાષ્ટ્રપ્રતીકો અને મહાનુભાવોની પ્રતિમાઓનું સન્માન જાળવવાની જવાબદારી પણ નિભાવવી પડે તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

તાલુકા પંચાયત કચેરીમાં જ જો સ્વચ્છતા અને જાળવણીની આવી સ્થિતિ હોય તો તાલુકાનાં ગામોમાં સ્વચ્છતાની કામગીરી કેવી રીતે થતી હશે તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.

હવે જોવાનું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ આ દૃશ્યોને ગંભીરતાથી લઈને તાત્કાલિક સફાઈ કરાવે છે અને ભારત માતા તથા સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓની યોગ્ય જાળવણી માટે પગલાં ભરે છે કે પછી કચેરીમાં બેદરકારીનું આ ચિત્ર યથાવત્ રહે છે.