ધાનપુર-રતનમહાલ વચ્ચે રસ્તા ઉપર જંગલ નજીક જોખમી બાયોવેસ્ટ ફેંકાયેલો હોવાનુ સામે આવ્યુ

ધાનપુર તાલુકાના ધાનપુરથી રતનમહાલ-કંજેટા તરફ જતા માર્ગ પર આવેલી ચાર ધાટીના નીચેના જંગલ વિસ્તારમાં ખુલ્લામાં બાયોવેસ્ટ ફેંકાયેલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રસ્તાની સાઈડમાં મોટી સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલી ઈન્જેકશનની સોયો સહિતનો જોખમી મેડિકલ કચરો ખુલ્લામાં પડ્યો હોવાનુ સામે આવ્યુ છે.

ધાનપુર તાલુકામાં ૯ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા હોવા છતાં તાલુકાનુ આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઇ રહ્યુ છે. તાલુકામાં અનેક જગ્યાએ ડિગ્રી વગરના બોગસ તબીબો ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલુ જ નહિ, અમુક બોગસ ડોકટરો તો સરકારી પીએચસી સેન્ટરની બિલકુલ નજીકમાં જ પોતાની દુકાનો ચલાવી રહ્યા હોવા છતાં આરોગ્ય વિભાગ આ તમામ ગેરરિતીઓ સામે આંખ આડા કાન કરી રહ્યુ હોવાનો આક્ષેપ છે. પર્યાવરણ અને વન્યજીવો માટે સંવેદનશીલ એવા રતનમહાલ જંગલ વિસ્તાર નજીક જ આ પ્રકારે ખુલ્લામાં જોખમી બાયોવેસ્ટ ફેંકવાથી રોગચાળો ફેલાવવો અને પશુ-પક્ષીઓને નુકસાન થવાનો ભય ઉભો થયો છે. ધાનપુર તાલુકાનુ વહીવટી તંત્ર ઉંઘમાંથી જાગીને આ ગેરકાયદેસર કૃત્ય આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરે અને રસ્તા પરથી તાત્કાલિક આ વેસ્ટ હટાવે તેવી માંગ ઉઠી છે.