દે.બારીઆ તાલુકામાંથી ગેરકાયદેસર રેતી ખનન કરી વહન કરતા વાહનો તેમજ રેતીની લીઝો ઉપર કાર્યવાહી કરવા એસએમસીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
દે.બારીઆ તાલુકામાંથી પસાર થતી પાનમ અને ઉજજવળ નદીમાંથી સફેદ રેતીની કાયદેસરની આશરે ૧૨ થી ૧૪ જેટલી લીઝો આવેલી છે. પરંતુ આ નદી કાંઠા ઉપર ગેરકાયદે ખનન કરી કોઈ૫ણ જાતના રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરીને ઉંચી કિંમતે વેચાણ કરાતુ હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. જે અંગે દે.બારીઆના જાગૃત નાગરિકો દ્વારા ભુતકાળમાં જિલ્લા વહીવટી તંત્રને વારંવાર રજુઆતો કરાઈ હતી. છતાં તંત્ર દ્વારા છુટીછવાઈ રેઈડ પાડી કાર્યવાહી કરાઈ હતી. પરંતુ રેતીનો કાળો કારોબાર બેરોકટોક ચાલતો હોવાના આક્ષેપો થતાં હતા. અધિકારીઓ દ્વારા ૫ણ રેતી ભરેલી ટ્રકો સીઝ કર્યા બાદ, રેતી કયાંથી ભરી…?લીઝ કાયદેસર છે કે કેમ…?તે અંગે કોઈ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાતી નથી. આ બાબત માત્ર ખનીજ સંપત્તિના સંરક્ષણ પુરતી મર્યાદિત નથી. પરંતુ સરકારની સંભવિત નુકસાન, પર્યાવરણને થતી અસર અને સંબધિત અધિકારીઓની ફરજપાલન અંગે પણ ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે છે. જે માટે દે.બારીઆ તાલુકાની પાનમ અને ઉજજવળ નદીના નદી કાંઠા વિસ્તારોમાં એસએમસીની ટીમ દ્વારા અચાનક સ્થળ તપાસ કરી નકકર કાર્યવાહી કરવા જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ છે.