
રેલવેમાં ઈમરજન્સી સાઈરન વાગતાં તંત્ર દોડતું થયું; સુરક્ષાના ભાગરૂપે કેટલીક ટ્રેનો રોકાઈ, પશ્ચિમ એક્સપ્રેસને લીમખેડા ખાતે રોકવામાં આવી
દાહોદ નજીક જેકોટ અને મંગલમહુડી રેલવે સ્ટેશન વચ્ચે સોમવારે રાત્રે આશરે ૮ વાગ્યાના અરસામાં દાહોદ તરફ આવી રહેલી માલગાડીનો એક ડબ્બો ડાઉન ટ્રેક પર પાટા પરથી ઉતરી જતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દાહોદ રેલવે સ્ટેશન પર ઈમરજન્સી સાઈરન વગાડવામાં આવ્યું હતું, જેના પગલે રેલવેની અકસ્માત
રાહત ટીમ અને ટેકનિકલ નિષ્ણાતો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, જેકોટ અને મંગલમહુડી વચ્ચે ડાઉન લાઈન પર પસાર થઈ રહેલી માલગાડીનો એક ડબ્બો અચાનક પાટા પરથી નીચે ઉતરીગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે રેલવે વ્યવહાર પર આંશિક અસર જોવા મળી હતી. સુરક્ષાના ભાગરૂપે બંને તરફની કેટલીક ટ્રેનો અને માલગાડીઓને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. બીજી તરફ, અપ ટ્રેક પરથી ટ્રેનોને સાવચેતીના ભાગરૂપે ધીમી ગતિએ પસાર કરવામાં આવી હતી, જ્યારે ડાઉન ટ્રેક પરનો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ ઘટનાની અસરને પગલે પશ્ચિમ એક્સપ્રેસને લીમખેડા .રેલવે સ્ટેશન ખાતે રોકી રાખવાની ફરજ પડી હતી.। સમાચાર લખાય છે ત્યાં સુધી રેલવે તંત્ર દ્વારા પાટા પરથી ઉતરેલા ડબ્બાને સુરક્ષિત રીતે ખસેડવા તેમજ રેલવે ટ્રેકને ફરી કાર્યરત કરવા માટે મરામત અને રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, માલગાડીનો ડબ્બો કયા કારણોસર પાટા પરથી ઉતર્યો તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રેલવેના સંબંધિત અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.રતલામ મંડળના જણાવ્યા મુજબ મંગલ મહુડી- જેકોટ વચ્ચે ડાઉન લાઈન પર માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. જેમાં તારીખ ૨ નવેમ્બર ના રોજ વડોદરાથી નીકળતી ૬૯૧૧૯ નંબરની વડોદરા-દાહોદ મેમુ ટ્રેનને ગોધરા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે જ્યારે દાહોદ થી ઉપડતી ૬૯૧૮૭ નંબરની દાહોદ-રતલામ મેમુ ટ્રેન રદ રહેશે.