દાહોદ જીલ્લામાં તા.૩૦ ઓક્ટોબરે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાશે

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રીલીઝ થશે.

દાહોદ શ્રી રામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ અને જીલ્લાના ૧૦૧ ગામોમાં જીવંત પ્રસારણનું આયોજન.

આગામી તા. ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જીલ્લા ખાતેથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૪મો હપ્તો રીલીઝ કરવામાં આવનાર છે, જે અંતર્ગત આ દિવસને પી.એમ. કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે દાહોદ જીલ્લામાં શ્રી રામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે જીલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જીલ્લા પંચાયતની કુલ ૫૦ સીટ દીઠ બે ગામ મળી જીલ્લાના કુલ ૧૦૧ ગામોમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ખેડૂતો માટે ખેતીલક્ષી લાભ વિતરણ, આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. સ્થળ પર ખેડૂતોની જાણકારી માટે વિવિધ પ્રદર્શન સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી, દાહોદ જીલ્લાના તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં સહભાગી થઈ બહોળો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંગે વધુ જાણકારી મેળવવા માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત, મદદનીશ ખેતી નિયામક, જીલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા માટે જીલ્લા ખેતીવાડી દાહોદની યાદીમાં જણાવાયું છે.