દાહોદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ૧ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી સભા-સરઘસ પર પ્રતિબંધ

દાહોદ જીલ્લામાં ખાસ કરીને ધાનપુર, લીમડી, લીમખેડા, સુખસર તથા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત સમગ્ર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ વર્ગ વિગ્રહના બનાવો અટકાવવાના હેતુથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.એમ. રાવલ (ૠઅજ) દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક દાહોદની દરખાસ્તના આધારે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૩) હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મુખ્ય નિયમો અને પ્રતિબંધો :

સભા અને સરઘસ પર રોક: સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર સમગ્ર દાહોદ જીલ્લાના મહેસૂલી વિસ્તારમાં કોઈપણ પ્રકારની સભા યોજવા કે સરઘસ કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પાંચ કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ બાબતોને મળશે મુક્તિ (અપવાદ) :

સરકારી વિભાગો/કચેરીઓ દ્વારા આયોજીત કાર્યક્રમો કે રેલીઓ. કાયદેસરની ફરજ પર હોય તેવા સરકારી/અર્ધ-સરકારી કર્મચારીઓ, હોમગાર્ડ અને સિક્યુરિટી એજન્સીઓ.

સ્મશાનયાત્રા અને લગ્નનો વરઘોડો.

આ જાહેરનામું તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૧૫/૦૮/૨૦૨૬ (બંને દિવસો સહિત) સુધી સમગ્ર દાહોદ જીલ્લાના વિસ્તારમાં અમલમાં રહેશે.

આ હુકમનો અનાદર, ભંગ કરનાર કે તેમાં મદદગારી કરનાર ઈસમ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫(૩) મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ કરવા માટે દાહોદ જીલ્લાના પોલીસ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉચ્ચ દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.