દાહોદ શહેર સહિત જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી અકસ્માત મોતની ત્રણ ઘટનાઓમાં એક મહિલા સહિત ત્રણ જણાના અટાણે મોત નીપજયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જીલ્લામાં અકસ્માત મોતની બનેલી ત્રણ ઘટનાઓ પૈકીની એક ઘટના ધાનપુર તાલુકાના નાકટી ગામે માળ ફળિયામાં ગત રાતે સાડા સાત વાગ્યાના સુમારે બનવા પામી હતી. જેમાં નાકટી ગામના માળ ફળિયામાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ બારીયાની પત્ની 35 વર્ષીય ચંદ્રિકાબેન નવીનભાઈ બારીયા પોતાના ઘરે રસોઈ બનાવતા હતા.
તે વખતે અચાનક ગેસના બાટલામાંથી ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે ચંદ્રિકાબેન શરીરે ગંભીર રીતે દાઝતા તેઓને સારવાર માટે દેવગઢ બારીયા ખાતેની બુટાલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈજાની ગંભીરતાને ધ્યાને લઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલમાં રીપેર કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ મામલે ધાનપુર પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત મોતની બીજી ઘટના દાહોદ શહેરમાં બનવા પામી, જેમાં રળીયાતી નવી વસાહતમાં રહેતા 27 વર્ષીય નરેશભાઈ રમસુભાઈ બિલવાળ તારીખ 10-12-2025ના રોજ સવારના આઠેક વાગ્યાના સુમારે ઘરેથી નીકળ્યો હતો. જેની લાશ ગઈ કાલે બપોરે અગિયાર વાગ્યાના સુમારે દાહોદ જીઇબી ઓફિસની સામે આવેલ પુલ પાસેની ગટરમાંથી મળી આવ્યો હતો. જેથી પોલીસે નરેશભાઈ રમસુભાઈ બિલવાળ દાહોદ જીઇબી ઓફિસની સામે આવેલ નદીના પૂલ પાસેની ગટરમાં અકસ્માતે પડી જતા ગટરમાંનું પાણી પીવાય જતા તેનું મોત નિપજ્યું હોવાની નોંધ લખી અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ તપાસ હાથ ધરી હતી.
જયારે દાહોદ જીલ્લામાં અકસ્માત મોતની ત્રીજી ઘટના દાહોદ શહેરના રળીયાતી રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે બનવા પામી હતી. જેમાં જેમાં લક્ષ્મીનગર મકાન નંબર-309માં રહેતા 63 વર્ષીય નરેન્દ્ર ભાઈ બાગમલ દોશી પોતાના ઘરે જમીન પરવારી બેઠા હતા. તે વખતે અચાનક બેભાન થઈ પડી જતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જતાં જયાં તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ મામલે દાહોદ ટાઉન પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.