સીએમ વિજયની તમિલનાડુના ખેડૂતોને મોટી ભેટ, ૭૫,૦૦૦ રૂપિયા સુધીની લોન માફી

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જાસેફ વિજયે મંગળવારે ખેડૂતો માટે ૭૫,૦૦૦ સુધીની પાક લોન સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી. રાજ્ય સરકારે એક નિવેદન બહાર પાડ્યું જેમાં જણાવ્યું હતું કે આનાથી રાજ્યના ૧૪.૪૩ લાખ ખેડૂતોને ફાયદો થશે અને રાજ્ય સરકારને ૫,૯૩૨ કરોડનો વધારાનો ખર્ચ થશે.

સચિવાલયમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ, મુખ્યમંત્રીએ કહ્યું કે ૭૫,૦૦૦ થી વધુની લોન લેનારા ખેડૂતોને ૩૫,૦૦૦ સુધીની માફી મળશે. ગયા મહિને, રાજ્ય સરકારે સહકારી બેંકોમાંથી લોન લેનારા નાના અને સીમાંત ખેડૂતો માટે ૫૦,૦૦૦ સુધીની લોન માફીની જાહેરાત કરી હતી. આ પછી, ખેડૂતોએ સુધારાની માંગ કરી. નવી જાહેરાત તેનું સુધારેલું સંસ્કરણ છે.

સરકારી લોન માફી યોજનાઓ માટે ભારતીય રિઝર્વ બેંક મોડેલ ઓપરેટિંગ પ્રક્રિયા હેઠળ, સરકારે ૪૫ થી ૬૦ દિવસમાં માફ કરાયેલી લોનની સંપૂર્ણ રકમનું વિતરણ કરવું જરૂરી છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય સરકારની વર્તમાન નાણાકીય પરિસ્થીતિ અને સંસાધનોને ધ્યાનમાં લેતા, આ મુશ્કેલ પરિસ્થીતિમાં, મુખ્યમંત્રીએ ૧ મે, ૨૦૨૫ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ વચ્ચે પાક લોન લેનારા ૧૪.૪૩ લાખ ખેડૂતો માટે આશરે ૬,૦૦૦ કરોડ રૂપિયાની લોન માફીનો આદેશ આપ્યો છે.”

રિલીઝમાં મુખ્યમંત્રી વિજયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “આ પાક લોન માફી આગામી વાવણી સીઝન માટે લોન લેવા માંગતા ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.”