ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું, ગુજરાતમાં ૧૨ જૂન સુધીમાં હળવાથી ભારે વરસાદ થવાનું અનુમાન

દેશમાં ચોમાસું અને પ્રી-મોન્સૂન બન્ને સક્રિય છે. કેરળથી એન્ટ્રી કરીને ચોમાસું ૭ રાજ્યોમાં પહોંચી ગયું છે. બીજી તરફ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. હવામાન વિભાગે ૧૧ જૂને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું અને ૧૨ જૂન સુધીમાં ૧૩થી વધુ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે. ચાલો જાણીએ કે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને ક્યાં વરસાદની આગાહી છે?

આઇએમડી અનુસાર, ચોમાસું ૭ રાજ્યો કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને મણિપુરમાં પહોંચી ચૂક્યું છે. ચોમાસું મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, ગોવાના બાકીના ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, તમિલનાડુના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે. આગામી ૭ દિવસમાં આ રાજ્યોમાં જુદી જુદી જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આઇએમડી અનુસાર, ૯ જૂને દેશના ૧૬ રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ ૬૦-૭૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે પવન ફૂંકાવાનું પણ અનુમાન છે. આજે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન નિકોબાર, ઉત્તરાખંડ, ગોવા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, મણિપુર, ત્રિપુરા અને સિક્કિમમાં તોફાની વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ૧૫ જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે. ચોમાસું પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એકટીવિટીના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે ૭ જૂને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

કેરલમથી ચોમાસુ હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. જ્યારે ગુજરાતમાં હાલ તો છુટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૭ દિવસ તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નહીં નોંધાય. સાથે જ રાજ્યની આસપાસના આકાશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્‌યુલેશનની થોડીઘણી અસર જોવા મળી શકે છે. જો કે, આગામી ૭ દિવસ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસાદની આગાહી કરી છે.