હત્યારા પૂર્વ પતિને લીમખેડા પોલીસે ગણતરી ના કલાકોમાં જ ઝડપી પાડ્યો
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે ૨વાળી ફળિયામાં પૂર્વ પતિ દ્વારા પત્નીની હત્યાની ઘટનામાં લીમખેડા પોલીસે ગણતરીના સમયમાં આરોપી પૂર્વ પતિને લીમખેડા માંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મૃતક પાબેનના અગાઉ જાદાખેરીયા ગામે રહેતા દશરથ સુરપાલ માવી સાથે લગ્ન થયા હતા. બાદમાં તેઓ ચીલાકોટા ગામે શૈલેષભાઈ માવી સાથે પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. આ બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થતાં સમાધાન દ્વારા પાબેનને પ્રથમ પતિ દશરથ પાસે મોકલાયા હતા, પરંતુ તેઓ ફરીથી શૈલેષભાઈના ઘરે રહેવા આવ્યા હતા. આ જ અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી હતી ગત તા. ૨૮/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદી શૈલેષભાઈ મજૂરીકામ અર્થે બહાર ગયા હતા અને ઘરના અન્ય સભ્યો પોતપોતાના કામમાં હતા. તે દરમિયાન પાબેન ઘર બહાર લઘુશંકા માટે ગયા હતા. તે વેળાએ આરોપી દશરથ સુરપાલ માવીએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પાબેનના ડાબા હાથ પર કોણીની નીચેના ભાગે, પેટના ડાબા ભાગે, જમણી બાજુના કમરના ભાગે તેમજ પગમાં ગંભીર ઘા ઝીંકવામાં આવતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફળિયાના આંગણામાં પડી ગયા હતા અને તેમનું કણમોત નીપજ્યું હતું. લીમખેડા પોલીસે જાદાખેરીયા ગામના ડુંગરા ફળિયામાં રહેતા આરોપી દશરથ સુરપાલ માવીને લીમખેડા હાઈવે રોડ થી બસ સ્ટેશન તરફ જતો હતો તે દરમિયાન કોર્ડન કરીને ઝડપી પાડ્યો છે અને તેને પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.