બોડેલીના PHC ઉચાપાનમાં ૨૪ કલાકમાં ૬ નોર્મલ ડિલિવરી કરાવાઈ

સિઝેરિયન પછી પણ સુરક્ષિત નોર્મલ પ્રસૂતિ:  PHC ટીમની મોટી સફળતા.

બોડેલીના ઉચાપાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે છેલ્લા ૨૪ કલાકમાં કુલ 6 સફળ નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે. આ સિદ્ધિ PHC ઉચાપાન માટે ગૌરવપૂર્ણ છે, જેમાં તમામ માતાઓ અને તેમના નવજાત શિશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

આ 6 પ્રસૂતિઓમાં કોઈ પણ માતાને Episiotomy (કાપ) કે ટાંકા લેવાની જરૂર પડી નહોતી, તેમજ પ્રસૂતિ દરમિયાન કોઈ પણ માતાને Tear પણ થયો નહોતો. આમાં એક પ્રસૂતિ એવી માતાની હતી જેનો અગાઉ Caesarean Section થયો હતો. આ Vaginal Birth After Caesarean (VBAC) કેસ યોગ્ય પસંદગી, સતત દેખરેખ અને કુશળ વ્યવસ્થાપન દ્વારા સફળતાપૂર્વક નોર્મલ રીતે પૂર્ણ કરવામાં આવ્યો.

આ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન અને સઘન દેખરેખ સાથે પસંદગીના VBAC કેસમાં પણ સુરક્ષિત નોર્મલ પ્રસૂતિ શક્ય છે. આ સફળતા પાછળ ડૉ. નિતિન રાઠવા, ડૉ. હેતલબેન રાઠવા, સ્ટાફ નર્સ દીપાલિબેન રાઠવા, હેમલતાબેન રાઠવા, આયાબેન લક્ષ્મીબેન હરિજન અને ગંગાબેન તડવી સહિત PHC ઉચાપાનની સમગ્ર ટીમની મહેનત અને સમર્પણ રહેલું છે.

આ ઉપરાંત, CHO, FHW, MPHW અને ખાસ કરીને આશા બહેનો દ્વારા ગર્ભવતી માતાઓને સમયસર માર્ગદર્શન, ANC ફોલોઅપ, પ્રસૂતિની તૈયારી અને યોગ્ય સમયે PHC સુધી પહોંચાડવામાં આપવામાં આવેલો સહયોગ પણ મહત્વપૂર્ણ રહ્યો છે. PHC ઉચાપાનનો સતત પ્રયત્ન છે કે આસપાસના ગ્રામ્ય વિસ્તારની દરેક ગર્ભવતી માતાને તેના નજીકના આરોગ્ય કેન્દ્રમાં સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને માનવીય પ્રસૂતિ સેવા ઉપલબ્ધ થાય, અને દરેક નવજાતનું સ્વસ્થ અને સુરક્ષિત રીતે આ દુનિયામાં સ્વાગત થાય.