
બોડેલી બાર એસોસિએશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે બોડેલી કોર્ટ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતમાં કદાચ પ્રથમ વખત બાર એસોસિએશનને વાઈ-ફાઈ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવનિયુક્ત ફેમિલી જજ તિવારી નું સ્વાગત-સન્માન પણ કરાયું હતું.
આ કાર્યક્રમ ધાર્મિક, સામાજીક અને સંગઠનાત્મક એકતાનો સંદેશ આપતો ત્રિવેણી સંગમ બન્યો હતો. તેમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શ્રાવણ માસની પવિત્રતાને ઉજાગર કરતું હતું.
બાર એસોસિએશનમાં નવી વાઈ-ફાઈ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલ વકીલોને ન્યાયિક કામગીરી તેમજ ઓનલાઈન સેવાઓમાં વધુ સુવિધા પૂરી પાડશે, જે બાર માટે એક મહત્વપૂર્ણ પ્રગતિ છે.
બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે આ નવી સુવિધા શ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સિનિયરનો અનુભવ અને જુનિયરની ઊર્જાબારની પ્રગતિની તાકાત છે.” તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર પણ માન્યો હતો.
કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એડવોકેટ હિતેશભાઈ પટેલના ઘરે દીકરીના જન્મની ખુશીમાં તેમના દ્વારા આ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.