
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ફરી એકવાર અવકાશમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બુધવારે સવારે ૮:૫૪ વાગ્યે, ઇસરોએ તેનું સૌથી શક્તિશાળી રોકેટ, લોન્ચ વ્હીકલ માર્ક-૩ (એલવીએમ૩-એમ ૬) ને લો અર્થ ઓબટમાં લોન્ચ કર્યું, જે યુએસ કંપની એએસટી સ્પેસમોબાઇલના આગામી પેઢીના કોમ્યુનિકેશન સેટેલાઇટ, બ્લુબર્ડ બ્લોક-૨ ને લઈને ગયું. આ મિશન ભારત માટે એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થવાનું છે. પીએમ મોદીએ આ સફળતા માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ભારતે અવકાશમાં એક મોટી છલાંગ લગાવી છે. એલવીએમ૩-એમ -૬ મિશનની સફળતા સાથે, ભારતે પૃથ્વી પરથી તેનો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ, અમેરિકાનો બ્લુબર્ડ બ્લોક-૨, તેની યોગ્ય ભ્રમણકક્ષામાં સ્થાપિત થયો છે. આ ભારત માટે ગર્વની ક્ષણ છે.
તેમણે આગળ લખ્યું, આ સફળતા ભારે ઉપગ્રહો લોન્ચ કરવાની ભારતની ક્ષમતાને મજબૂત બનાવે છે. તે વૈશ્ર્વિક વ્યાપારી પ્રક્ષેપણ બજારમાં ભારતની વધતી ભૂમિકાને પણ દર્શાવે છે. આ સિદ્ધિ ’આત્મનિર્ભર ભારત’ તરફના અમારા પ્રયાસોનો પણ પુરાવો છે. અમારા મહેનતુ અવકાશ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને ખૂબ ખૂબ અભિનંદન. ભારત અવકાશની દુનિયામાં નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખે છે.
ભારતીય અવકાશ એજન્સી અનુસાર, ૪૩.૫-મીટર ઊંચું સ્ફસ્૩ એ ત્રણ-તબક્કાનું રોકેટ છે જે ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર દ્વારા વિક્સાવવામાં આવેલ ક્રાયોજેનિક એન્જિનથી સજ્જ છે. લોન્ચ માટે જરૂરી ઉચ્ચ થ્રસ્ટ પ્રદાન કરવા માટે, લોન્ચ વ્હીકલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા વિક્સાવવામાં આવેલા બે જી૨૦૦ સોલિડ રોકેટ બૂસ્ટરથી સજ્જ છે. બ્લુબર્ડ બ્લોક-૨ ઉપગ્રહ લોન્ચ થયાના લગભગ ૧૫ મિનિટ પછી રોકેટથી અલગ થવાની ધારણા છે. તેને ૬૦૦ કિલોમીટરની ઊંચાઈએ તૈનાત કરવામાં આવશે. બ્લુબર્ડ બ્લોક-૨ મિશનનો ઉદ્દેશ્ય સેટેલાઇટ દ્વારા સીધી મોબાઇલ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. આ નેટવર્ક વિશ્ર્વમાં ગમે ત્યાં, કોઈપણ સમયે ૪જી અને ૫ જી વૉઇસ-વિડિયો કૉલ્સ, મેસેજિંગ, સ્ટ્રીમિંગ અને ડેટા સેવાઓ પ્રદાન કરશે.