
બગસરા નજીક ગમખ્વાર રોડ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આજે (૧૭ ડિસેમ્બર) વહેલી સવારે બગસરાના હડાળા ગામ નજીક કારે પલટી મારતા કાર ધડાકાભેર ખેતરમાં જઈને પડી હતી. જેના કારણે ચાર લોકો કારની અંદર ફસાયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. મૃતક ત્રણેય જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે. અકસ્માત એટલી ગંભીર રીતે થયો હતો કે, કાર અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માત બાદ મૃતકોના પરિવારમાં આઘાતનો માહોલ છવાઈ ગયો છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, અમરેલીના બગસરા નજીક બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતી ફોર વ્હીલ કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ તે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પિચકાઈ ગઈ હતી. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુક્સાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.આ અંગેની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.